સુરત : શહેરમાં ફરી વળ્યાં ખાડીઓના પાણી, 270થી વધુ લોકોને બચાવાયાં

Update: 2020-08-14 14:32 GMT

સુરત શહેરમાં ખાબકેલા મુશળધાર વરસાદના પગલે ખાડીઓ ઓવરફલો થઇ જતાં લિંબાયત સહિતના અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિનું નિર્માણ થયું છે. બચાવ અને રાહત ટુકડીઓએ 270 જેટલા લોકોને બચાવી સલામત સ્થળોએ ખસેડાયાં હતાં.

સુરત શહેર તથા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહયો છે. વરસાદી પાણી નદીઓ તેમજ ખાડીઓ મારફતે દરિયામાં જતાં હોય છે. વરસાદી પાણીનો નિકાલ કરવામાં માટેની કાંસો અને ખાડીઓ ઉપર ગેરકાયદે બાંધકામો થઇ જતાં પાણીનો નિકાલ અટકી રહયો છે. સુરતમાં પાંચમાંથી ચાર જેટલી ખાડીઓ ઓવરફલો થઇ રહી હોવાથી તેના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યાં છે.

પર્વત પાટીયા, લિંબાયત, સણીયા, સારોલી, કુંભારીયા સહિતના અનેક વિસ્તારોમાં કેડ સમાણા પાણી ભરાય ગયાં હતાં. પુરમાં ફસાયેલાં 270 જેટલા લોકોને રેસ્કયુ કરી બચાવી લેવામાં આવ્યાં હતાં. સુરતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર વાહનોના બદલે હોડીઓ ફરતી જોવા મળી હતી. સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે પાણીનો ઝડપથી નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવા અધિકારીઓને સુચના આપી હતી.

Similar News