સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામા શીતળા માતાજીના મંદિર ચૈત્રી સાતમના દિવસે બંધ રખાયું

Update: 2021-05-03 08:04 GMT

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની ઘાતક લહેર ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામા શીતળા માતાજીના મંદિર ખાતે ચૈત્રી સાતમના પાવન દિવસે યોજાતા હવન સહિતના કાર્યક્રમો રદ કરાયાં છે.

દેશભરમાં કોરોનાના કારણે ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. મોટાભાગના શહેરોમાં દર્દીઓ ઓકિસજન માટે તડપી રહયાં છે. આવા વિકટ સંજોગોમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે લોકો પોતાના ઘરોમાં જ રહે તે જરૂરી છે. ગુજરાતના પણ 29 જેટલા શહેરોમાં મીની લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા ખાતે આવેલા પ્રસિધ્ધ શીતળા માતાજીના મંદિરને સોમવારે ચૈત્રી સાતમના દિવસે બંધ રાખવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, શીતળા માતાજીના મંદિર ખાતે ચૈત્રી સાતમના દિવસે રાજયભરમાંથી શ્રધ્ધાળુઓ દર્શન માટે આવતાં હોય છે અને આ પાવન અવસરે હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવતાં હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે કાર્યક્રમો રદ કરાય રહયાં છે. આજે સોમવારના રોજ મંદિર ખાતે પુજારી દ્વારા શીતળા માતાજીની શાસ્ત્રોકત વિધિથી પુજાઅર્ચના કરી વિશ્વમાંથી કોરોનાની મહામારી દુર થાય તેવી પ્રાર્થના કરાય હતી.

Similar News