વલસાડ : અનરાધાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, પાલિકાની પ્રિ-મોનસુન કામગીરીની ખુલી પોલ

Update: 2020-07-28 07:36 GMT

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ખાબક્યો હતો, ત્યારે વલસાડ જિલ્લામાં સવારથી પડી રહેલ અનરાધાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી હતી.

દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 19 તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં વલસાડના છીપવાડ અંડર બ્રિજ અને મોગરાવાડી અંડર બ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા.

વલસાડમાં લાંબા સમયના વિરામ બાદ મંગળવારની વહેલી સવારે મેઘરાજાની સવારી આવી પોહચી હતી. જોકે જિલ્લામાં પડેલ વરસાદના આંકડા પર નજર કરીએ તો, વલસાડમાં 4.73 ઇંચ, પારડીમાં 1.88 ઇંચ, વાપીમાં 10 mm, કપરાડામાં 5 mm, ધરમપુરમાં 6 mm વરસાદ ખાબક્યો હતો, ત્યારે અનરાધાર વરસતા વરસાદના કારણે શહેરના દાણા બજાર, ગ્રીનપાર્ક સોસાયટી, અબ્રામા વિસ્તાર અને ભાગડાવાળા ગામમાં વરસાદી પાણી ઘુસ્યા હતા. પાણી ભરાતા સ્થાનિકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે પાલિકા દ્વારા કરવામાં આવતી પ્રિ-મોનસુન કામગીરી માત્ર કાગળ પર જ થતી હોવાની લોકોમાં રાવ ઉઠી છે.

Similar News