વલસાડ : વાપી GIDC પોલીસ મથકના પોલીસકર્મી ઉપર જીવલેણ હુમલો, પોલીસે કરી 5 શખ્સોની ધરપકડ

Update: 2020-07-31 10:39 GMT

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બગવાડા ટોલનાકા નજીક વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી અને તેના પિતારાઈ ભાઈ ઉપર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર મામલે 5 શખ્સોની ઓળખ થઈ જતાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મી અને તેમનો પિતરાઇ ભાઈ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બગવાડા ટોલનાકા નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર લઈને આવેલા 10થી વધુ અજાણ્યા શખ્સોએ બન્ને ભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં કારમાં સવાર પોલીસકર્મી અને તેના ભાઈને મારક હથિયાર બતાવી ધમકી પણ આપી હતી.

સમગ્ર ઘટનામાં અજાણ્યા શખ્સોએ કારમાં તોડફોડ કરી ત્યાથી ફરાર થઈ ગયા હતા. જ્યારે પોલીસકર્મી અને તેના ભાઈને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે આરોપીઓની ઓળખ થઈ જતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ 5 શખ્સોની ધરપકડ કરી હતી. જોકે હુમલો ક્યાં કારણોસર કરવામાં આવ્યો હતો તે દિશામાં હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Similar News