અરવલ્લી : ભિલોડા નજીક બે અલગ અલગ અકસ્માતમાં બે યુવાનના મોત, ૩ યુવકોને ગંભીર ઈજા

Update: 2019-09-23 08:47 GMT

અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો બેફામ ગતિએ વાહન હંકારતા અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ભિલોડાના કલ્યાણપુર નજીક પસાર થતી સીફ્ટ કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ઝાડ સાથે ભટકાતા કાર ચાલકનું મોત નીપજ્યું હતું. કારમાં સવાર બે યુવાનોના શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, તો અન્ય એક અકસ્માતમાં ધુળેટા ગામ નજીક બાઈકને અડફેટે લેતા એક યુવકનું ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું તેમજ એક યુવક શરીરે ગંભીર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિયલ ખસેડાયો હતો. અકસ્માતના પગલે દોડી ગયેલી ભિલોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભિલોડા તાલુકાના ભાણમેર ગામનો મહેશ મેણાત તેના મિત્રો સાથે કામકાજ અર્થે સ્વીફ્ટ કારમાં નીકળ્યા હતા. ટાકાટુકા નજીક આવેલા કલ્યાણપુરા ગામ ખાતે સ્વીફ્ટ કારના ચાલક મહેશ મેણાતે કારનું ટાયર ફાટતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ પરથી ઉતરી ઝાડ સાથે ભટકાતા ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. કારમાં સવાર રાહુલ ડામોર અને હર્ષદ ડામોરના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતના પગલે દોડી આવેલી ભિલોડા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી રણજીત ડામોરની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તો અન્ય એક અકસ્માતનો બનાવ ધુળેટા-વાંટડી રોડ ઉપર બન્યો હતો. ભિલોડા તાલુકાના ખેરોજ કંપાના સચિન માકાણી તેના ભાઈ સાથે કામકાજ અર્થે હિંમતનગર ગયા પછી પરત ઘર તરફ આવી રહ્યા હતા. ધુળેટા-વાંટડી રોડ પરથી પસાર થતા પુરપાટ ઝડપે પસાર થતી બોલેરો કારે બાઈકને ધડાકાભેર ટક્કર મારતા બન્ને ભાઈઓ રોડ પર પટકાતા સચિનનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બાઈક સવાર અન્ય એક ભાઈના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા પરિવારજનોએ સારવાર અર્થે હિંમતનગર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. ભિલોડા પંથકમાં બે અલગ અલગ અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ હતી.

Similar News