ગાંધીનગરમાં ફેસબુક ઉપર મિત્રતા કેળવી શોખીન યુવાનોને જાળમાં ફસાવતી ગેંગ સક્રિય

Update: 2018-05-21 05:05 GMT

ફેસબુક પર મિત્રતા કેળવી શોખીન યુવાનોને જાળમાં ફસાવતી ગેંગ ગાંધીનગરમાં સક્રિય બની છે. આ ગેંગે મહુડીના એક શિક્ષકને પોતાની જાળમાં ફસાવી પાંચ લાખ રોકડા અને બલેનો ગાડી પડાવી લીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે એસઓજીએ ચાર શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે યુવતીનો પત્તો હજુ લાગ્યો નથી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આ શખ્સોએ ફેસબુક પર યુવતીનુ એકાઉન્ટ બનાવ્યુ હતું ત્યારબાદ ટાર્ગેટ કરેલા શિક્ષકને યુવતી મારફત ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી તેને ગાંધીનગર બોલાવ્યો હતો. જ્યાં યુવક અને શિક્ષક ગેસ્ટહાઉસમાં પહોંચ્યા બાદ અગાઉથી પ્લાન મુજબ, યુવતીના મળતિયા આવી પહોંચ્યા હતા અને શિક્ષકને ધામકધમકી આપી બ્લેક મેઇલ કર્યો હતો.

આ ઘટના અંગે શિક્ષકે સેક્ટર-૭ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. ભોગ બનનાર શિક્ષક મહુડીનો વતની છે. તેના ફેસબુક એકાઉન્ટ પર તાજેતરમાં એક સોનું ખાન નામની યુવતીએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા કેળવાઇ હતી. ગત ૧૭મી તારીખે શિક્ષક શિવસિંહ ગાંધીનગર આવ્યો હતો જ્યાં તે સોનુ ખાનને મળ્યો હતો. બંને ગેસ્ટહાઉસમાં ગયા હતા. ત્યાંથી શિક્ષક ઘરે જવા માટે પોતાની બોલેનો કાર લઇને નીકળ્યો હતો ત્યારે પ્રેસ સર્કલ પાસે બે બાઇક પર આવેલા ચાર શખ્સોએ તેને આંતર્યો હતો. આ શખ્સો પૈકી એક શખસે સોનું તેની બહેન હોવાનું જણાવી ધમકી આપી હતી. આથી શિક્ષક ગભરાયો હતો. આ દરમિયાન શખ્સો તેની કારમાં બેસી ગયા હતા. ત્યારબાદ કારને સુમન ટાવર પાસે લાવવામાં આવી હતી. કારમાં બેઠેલા શિક્ષકોએ સોનું ખાન નામની યુવતીના મામલે શિક્ષકને બ્લેક મેઇલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક પાંચ લાખની માંગણી કરવામાં આવી હતી. તેના એટીએમમાંથી ત્યારે જ ૧.૩૧ લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ શખ્સોએ તેની બોલેનો કાર પણ પડાવી લીધી હતી. થોડા સમય બાદ એક શખ્સ તેના ઘરે જઇને બાકીના નાણા લઇ આવ્યો હતો.

ઉપરોક્ત મામલે શિક્ષકે ફરિયાદ નોંધાવતા એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી હતી. દરમિયાન સીસીટીવીના માધ્યમથી એક બાઇક ટ્રેસ થયુ હતું. દરમિયાન એસઓજીના હે.કો. દિવ્યરાજસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ જયદિપસિંહને બાતમી મળી હતીકે, આ ગુનામાં સંડોવાયેલા શખ્સો વાવોલ પાસે બેઠા છે. પોલીસે દરોડો પાડી બલેનો કાર સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં આ શખ્સો સાગર ભરત જાની (રહે. ડી-૩૦૩, સકલ રેસિડેન્સી, ન્યુ વાવોલ), બ્રિજેશ હરેશ પટેલ (રહે. કૃષ્ણનગર, ધનુષ્યધારા સોસાયટી, નરોડા), રવિરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા (રહે. ૩૭૫-૨, સેક્ટર-૪ બી) તથા અર્પણ ઉર્ફે સની જગદીશગીરી ગોસ્વામી (ઇ-૧૧૯- વિભાગ-૧, પાશ્વનાથ ટાઉનશીપ, નરોડા) ને ઝડપી લીધા હતા. તેમની પુછપરછમાં આનંદ ભાવસાર નામના શખ્સનું પણ નામ ખુલ્યુ હતું. આ શખ્સ અગાઉ મહુડી રહેતો હતો. તેણે જ શિક્ષકની બાતમી મેળવી ફસાવવાનો પ્લાન ઘડયો હતો. આ બનાવ અંગે પોલીસે ઝડપાયેલા શખ્સોના કબજામાંથી બલેનો કાર તથા મોબાઇલ, એટીએમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા શખ્સોએ અન્ય હજુ કેટલાક શોખીનોને પણ જાળમાં ફસાવ્યા હોવાની શંકા પોલીસને છે. પોલીસે તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી છે.

 

Similar News