ટપક સિંચાઇ પધ્ધતિની પરવળની ખેતીમાંથી રૂપિયા ૪ લાખથી વધુ નફો મેળવતા હિતેશભાઇ પટેલ

Update: 2019-07-04 12:23 GMT

ટપક સિંચાઇ પધ્ધતિની મદદથી માત્ર નવથી દસ માસના ટૂંકાગાળામાં જ હિતેશભાઇ પટેલે રૂા.૨૨૮૦૦ ની સહાયથી અર્ધ કાચા મંડપ થકી પરવળની ખેતીમાંથી રૂા.૪ લાખથી વધુ નફો મેળવ્યો છે.

નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાના કરાંઠા ગામનાં પ્રગતિશીલ ખેડૂત શ્રી હિતેશભાઇ પ્રભુભાઇ પટેલ તેઓ ખેત વ્યવસાય સાથે પોતાના પરિવારનું ગુજરાન કરી રહ્યા છે, જેઓ ગ્રામ્ય વિસ્તારમાં આશરે કુલ ૨.૫૮ હેકટર જમીન ધરાવે છે અને ધોરણ ૧૦ પાસ થયેલા આ ઉત્સાહી ખેડૂતે પોતાની કેળ, તડબુચ,પપૈયાની પરંપરાગત ખેતીની સાથોસાથ કૃષિ મહોત્સવ અને કૃષિ મેળામાં ભાગ લેવાથી તેઓ શાકભાજીની આધુનિક ખેતી તરફ વળ્યાં છે. તેઓ માત્ર નવથી દસ મહિનાના ટૂંકાગાળામા જ સરકારની રૂા. ૨૨૮૦૦/-ની બગાયતી સહાય થકી અર્ધ કાચા મંડપ બનાવી પરવળની ખેતીમાંથી અંદાજે રૂા.૪.૦૫ લાખ જેટલો નફો મેળવ્યો છે.

હિતેશભાઇ પટેલ તરફથી આ અગાઉ વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અને કૃષિ-તજજ્ઞોની ભલામણો તરફ પૂરતું લક્ષ ન આપવાને લીધે તેઓ ઓછું ઉત્પાદન મેળવતા હતા, પરંતુ બાગાયત ખાતા સાથે જોડાંતા તેમા તાલીમ, પ્રેરણા પ્રવાસ અને કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી નીત નવી ટેક્નોલોજીથી માહિતગાર થવાને લીધે તેમજ પરવળની ખેતી માટે અર્ધ કાચો મંડપ બનાવવા રૂા. ૨૨૮૦૦/- ની પ્રોત્સાહક સબસીડી બાગાયત ખાતા દ્વારા અપાઇ હતી. તેની સાથોસાથ શાકભાજી પાકમાં ટપક-સિચાંઇ, સંકલીત પોષણ વ્યવસ્થાપન, સંકલીત જીવાત નિયંત્રણ, ગ્રેડીંગ પધ્ધતિ વગેરે જેવી જાણકારી મેળવીને તેને ખેત પધ્ધતિમાં અમલમાં મુકવાને લીધે જૈવિક કલ્ચર, બાયો-કંપોષ્ટ, માઇક્રો ન્યુટ્રીયન્ટ ખાતરનો ઉપયોગ કરી રાસાયણીક ખાતરના વપરાશમાં ઘટાડો થવાને લીધે ખેતી ખર્ચ અને ખાતર ખર્ચ પણ ઘટી જવાથી શ્રી હિતેશભાઇ પટેલ હવે એકંદરે સારી આવક મેળવી રહ્યાં છે.

શાકભાજીની ખેતી ગુણવત્તાયુક્ત થવાને લીધે બજારમાં તેના ઉંચા ભાવ પણ તેમને મળી રહે છે. હિતેશભાઇ પટેલની શાકભાજીની ખેતી જોઇને તેમના આડોશ-પાડોશના ખેડૂતોને પણ બાગાયતી પાક ઉત્પાદન માટેની પ્રેરણા મેળવીને તેઓ પણ હવે બાગાયતી પાકો તરફ વળ્યા છે.

Similar News