ધોરણ-૧૦-૧૨ની પ્રફુલ્લિત મને પરીક્ષા આપવા ભરૂચ કલેક્ટરનો અનુરોધ

Update: 2019-02-27 08:25 GMT

  • પરીક્ષા વિદ્યાર્થીઓના જીવન માટે મહત્વનો પડાવ ઉજ્જવળ ભવિષ્ય માટેની દિશા : કલેકટર રવિકુમાર અરોરા.
  • ભરૂચ જિલ્લામાં એસ.એસ.સી.માં ૨૮૩૪૭ એચ.એસ.સી. સામાન્યે પ્રવાહમાં ૯૭૨૦ અને વિજ્ઞાન પ્રવાહમાં ૪૫૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
  • કંટ્રોલ રૂમ નંબર ૦૨૬૪૨ - ૨૪૦૪૨૪.

કલેક્ટર રવિકુમાર અરોરાએ વિદ્યાર્થીઓને પ્રફુલ્લિત અને સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપવા અનુરોધ કરતાં જણાવ્યું કે, આ પરીક્ષા વિદ્યાર્થીઓના જીવનમાં મહત્વનો પડાવ છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે દિશા નક્કી કરનારી આ પરીક્ષા ખૂબ જ મહત્વાની હોઇ ચિંતામુક્ત રીતે પરીક્ષા આપો.

કલેક્ટેરે જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યો સાથે જિલ્લામાં ધોરણ-૧૦-૧૨ ની પરીક્ષા અંગે થયેલું આયોજન અને વ્યવસ્થાની સમીક્ષા કરતાં કહ્યું કે કેન્દ્ર નિરિક્ષકોની ભૂમિકા ખૂબ મહત્વની છે અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરીક્ષા માટે કરેલું આયોજન સરાહનીય છે. આખરે વ્યવસ્થા તંત્ર વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે પરીક્ષા આપે તે માટે કામ કરે છે. માટે વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક પરીક્ષા આપે અને જવલંત સફળતાને વરે એવી મારી શુભ લાગણી છે એમ કલેક્ટરે ઉમેર્યુ હતું.

ભરૂચ જિલ્લા પરીક્ષા સમિતિની યોજાયેલ સમીક્ષા બેઠકમાં શિક્ષણાધિકારી નવનીત એચ.મહેતાએ જણાવ્યું કે, એસ.એસ.સી.ની પરીક્ષા માટે જિલ્લામાં કુલ-૩૨ કેન્દ્ર અને ૯૨ જેટલા પરીક્ષા સંકુલ છે. જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યામાં-૨૮૩૪૭ છે. જ્યારે ધોરણ-૧૨ ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે કુલ-૪ કેન્દ્ર અને વિદ્યાર્થીઓ ૪૫૨૦ છે. એચ.એસ.સી. સામાન્ય પ્રવાહમાં કુલ-૧૧ કેન્દ્રો છે અને ૯૭૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, હોસ્ટેલ ગ્રાઉન્ડ - ભરૂચ ખાતે જિલ્લાનો કંટ્રોલરૂમ પરીક્ષા શરૂ થવાના એક દિવસ અગાઉ શરૂ થશે.જે સવારે ૭-૦૦ કલાકથી રાત્રીના ૨૦.૦૦ કલાક સુધી કાર્યરત રહેશે. પરીક્ષાર્થી, વાલીઓ, શાળાઓને સાંભળીને જરૂરી માર્ગદર્શન આપશે. કંટ્રોલરૂમનો ટેલીફોન નંબરઃ ૦૨૬૪૨ ૨૪૦૪૨૪ છે.

સમગ્ર જિલ્લામાં પરીક્ષા ખંડ ખાતે સી.સી. ટી.વી. કેમેરાથી સજ્જ કરાયા છે. આ સી.સી. ટી.વી. કેમેરા વિદ્યાર્થીઓના હિતમાં છે. વિદ્યાર્થીને અન્યાય ન થાય તે માટે છે. જેથી વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે. આરોગ્ય અધિકારી ર્ડા. વી.એસ.ત્રિપાઠીએ જણાવ્યું કે, પ્રત્યેક પરીક્ષા કેન્દ્ર ઉપર જરૂરી મેડીકલ કીટ તથા આરોગ્યલક્ષી સેવા તુરંત મળે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા સમિતિની બેઠકમાં શિક્ષણકાર્ય સાથે જોડાયેલા અધિકારીઓ સહિત સમિતિના સભ્યો ઉપસ્થિરત રહ્યા હતા.

Similar News