નરસૈંયાનો વંશજ : શોભિત

Update: 2016-12-22 06:43 GMT

રવિવારે મુંબઈ બિરલા માતૃશ્રી સભાગૃહમાં શોભિત દેસાઈના બે કાવ્ય સંગ્રહ “અંધાર ની બારાખડી અને હવા પર લખી શકાય”ના વિમોચન સમારોહના હેન્ગ ઑવરમાંથી બહાર નીકળવુ નથી. નવભારત સાહિત્ય મંદિરે આ કાવ્ય સંગ્રહોના પ્રકાશન કર્યા છે. એમને અભિનંદન.

હવે વાત 'શોભિતોત્સવ' ની. શોભિતભાઈએ વિશાળ હૃદય રાખી યુવા કવિઓને તક આપી, બધાએ એ તકને સોનેરી બનાવી. એકવીસમી સદીની આવતીકાલ ગુજરાતી ગઝલકારો માટેના પડકારોને ઝીલી શકે, સુર્વણ પદક મેળવી શકે એવો કાફલો ગરવી ગુજરાતમાં છે.

શોભિત શોભિત છે.એના નામની આગળ કોઈપણ વિશેષણ મુકો એ વામણુ જ લાગે. કાવ્યપાઠ, વાચિકની સાથોસાથ આંગિક પણ થઈ શકે, એવું એણે પુરવાર કર્યું છે જયારે શ્રોતાઓ સમક્ષ કાવ્યપાઠ કરો ત્યારે કાવ્યના શબ્દો, એનો ભાવ, મર્મ, અર્થ સ્વરપેટીમાંથી એવી રીતે નીકળે કે શ્રોતાના કર્ણપટલને અને હૃદયને તીરની જેમ વીંધીને આરપાર નીકળી જાય, શ્રોતા નખશિખ આનંદવિભોર બની કરતલઘ્વનિ અને વાહ ! વાહ ! પોકારી ઉઠે. એને સ્થળ, સમય અને અવસ્યાનું ભાન ન રહે એ જ શોભિતની કમાલ છે. ધમાલ છે.

સોનામાં સુગંધ ઉમેરાય એમ પૂજ્ય મોરારિબાપુ આ સમારંભમાં પધાર્યા એકેએક કૃતિને અને વક્તાઓને સાંભળ્યા અને પછી મન ભરીને બારે મેઘ વરસ્યા.

જય વસાવડાએ મધુ છંદા ઋષિએ સર્જેલી ઋગ્વેદની પહેલી ઋચાનું વર્ણન કરી પૂ.બાપુ વિશે દિલની વાત કરી.

મનોજ જોષી (ચાણક્ય) એ કાવ્યપાઠ આરોહ અવરોહ તીવ્રમંદ સ્વરમાં કરી શ્રોતાઓની દાદ મેળવી.

ડૉ પ્રકાશ કોઠરી એ એમની ગહન કવિતા ભકિતનું દર્શન કરાવ્યુ. ભાવેશ ભટ્ટ, ગૌરાંગ ઠાકર, ભાવેશ શાહ, ભાવિન ગોપાણી, ભાર્ગવ ઠાકર લાજવાબ. એમણે વાત શોભિતની કરી પણ સાહિત્ય જગતમાં એમની શોભા સ્થાપિત કરી. બીજા દૌરનું સંચાલન સૂર્યનગરીની પુત્રી એષા દાદાવાળાએ કર્યું. એ અંકિત ત્રિવેદી, મુકેશ જોષીના વિકલ્પ રીતે એક કવયિત્રી સમર્થ છે. એનો પરચો આપ્યો. ડૉ. મુકેશ ચોકસી એ શોભિત માટે પેટ છૂટી વાત કરી એટલી બેખુબીથી કે શ્રોતાઓ પેટ પકડીને હસ્યા અને સાહિત્યના સાગરમાં ડૂબ્યા.

-2-

ડૉ. તુષાર શાહે શ્રોતાઓને એટલા હળવા ફૂલ કર્યા કે શોભિતે ફરી પ્રગટ થઈ ગાડી પાટે ચઢાવી. ડૉ તુષારભાઈ આપને ઈર્શાદ ! દીપ્તિ મિશ્રા આંતરરાષ્ટ્રીય ગજાની કલાકાર સ્ત્રીશક્તિકરણની આબેહૂબ મૂર્તિ. અવાજમાં લહેકો, અદભૂત, શ્રોતાગણ આફ્રિન થયુ.

જરા વિચાર તો કરો ! જે સભાગૃહમાં મુંબઈ સમાચારના તંત્રી શ્રી નિલેશ દવે, ગુડ મોર્નિંગના કટાર લેખક સૌરભ શાહ, સુખનો પાસવર્ડ કટારના લેખક આશુ પટેલ, કવિ ઉદયન ઠક્કર, વીક્રમ વકીલ અને ચાલીશ ટકાની આસપાસ યુવાધન, બાકીના વાળને કલપ કરેલા અને આજીવન કલપ નહિ કરેલા શ્વેત કેશ અને દાઢીવાળા, અનુભવી વયસ્ક સજ્જનો અને સન્નારીઓ હોય. શ્રોતાઓએ ક્યાં સ્થાન લેવું એવું બેસાડનાર પીળા બુશર્ટ અને સફેદ પેન્ટ માં વોચમેન ફરતા હોય એ કાર્યક્રમ સાતને ત્રીસ મિનિટના ટકોરે જ શરૂ થયો અને રાતે સાડા અગિયાર વાગે પૂરો થયો કે જયારે પૂ. બાપુના આશીર્વચન પછી સૌએ સતત ત્રણસોને સાઈઠ સેકન્ડ સુધી કરતલધ્વનિ સાથે સ્ટેન્ડિગ ઓવેશન આપ્યુ હતુ. જય હો! શોભિત.

(શોભિત દેસાઈ સાથે બિરલા માતૃશ્રી સભાગૃહ માં ઉપસ્થિત માંથી કેટલાને વાટકી વ્યવહાર હશે એ તો રામ જાણે! પણ બંદા સાથે વાટકી વ્યવહાર રાખવામાં શુભ લાભ છે એ તો નક્કી માનજો.)

Tags: