નવા વર્ષના આરંભે અમદાવાદમાં નવી સિવિલ અને મેટ્રો ટ્રેનના વડાપ્રધાનના હસ્તે લોકાર્પણની સંભાવના

Update: 2019-01-01 05:38 GMT

મેટ્રો રેલના પ્રથમ તબક્કાનો વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી 6.5 કિમીના એલિવેટેડ રૂટ પર પ્રારંભ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવશે

1200 બેડની ક્ષમતા ધરાવતી નવી સિવિલ હોસ્પિટલ અને એટલી જ ક્ષમતાવાળી નવી વી.એસ. હોસ્પિટલ પણ જાન્યુઆરીમાં ખુલ્લી મુકાશે

અમદાવાદીઓ જેની ઘણા સમયથી રાહ જોતા હતા, એ મેટ્રો રેલના પ્રથમ તબક્કાનો વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી 6.5 કિમીના એલિવેટેડ રૂટ પર પ્રારંભ થશે. પ્રથમ મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન 15 જાન્યુઆરી પછી શરૂ કરાશે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી આપે તેવી શક્યતા છે. શહેરમાં હાલ ત્રણ કોચની એક ટ્રેન દોડાવવામાં આવશે. સેફ્ટી કમિશનરની મંજૂરી બાદ માર્ચ અંતમાં સામાન્ય નાગરિકો પણ મેટ્રોમાં મુસાફરીનો આનંદ મેળવી શકશે. જ્યારે મે મહિનાના અંત સુધીમાં એપીએમસીથી પાલડી(શ્રેયસ ક્રોસિંગ) સુધીના રૂટ પર પણ મેટ્રોનો ટ્રાયલ રન શરૂ કરવાની યોજના છે. જ્યારે 2019ના અંત સુધીમાં મોટેરા સુધી મેટ્રો શરૂ કરી દેવાશે.

વર્ષ 2019 અમદાવાદીઓ માટે અનેક નવી આશાઓ લઈને આવ્યું છે. ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી એવી અમદાવાદ મેટ્રોના વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધીના ટ્રાયલ રનનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવશે. તો 1200 બેડની ક્ષમતા ધરાવતી નવી સિવિલ હોસ્પિટલ અને એટલી જ ક્ષમતાવાળી નવી વી.એસ. હોસ્પિટલ પણ જાન્યુઆરીમાં ખુલ્લી મુકાશે. બીજી તરફ 1.10 લાખની બેઠકક્ષમતા ધરાવતું વિશ્વનું સૌથી મોટું મોટેરા સ્ટેડિયમ 2019માં તૈયાર થશે, જ્યારે રિવરફ્રન્ટ ફેઝ-2, એસ.જી. હાઈવે પર સિક્સલેન ફ્લાયઓવર તેમ જ બુલેટ ટ્રેન સહિતનાં અનેક મહત્ત્વના પ્રોજેક્ટ પણ વેગ પકડશે.

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સ્કૂલ ઓફ સાયન્સ પાસે રૂ. 140 કરોડના ખર્ચે રિસર્ચ પાર્ક (ગુજરાત યુનિવર્સિટી પાર્ક ફોર ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન એન્ડ રિસર્ચ) વિકસાવવામાં આવશે. આ રિસર્ચ પાર્ક માટે રાજ્ય સરકાર તરફથી રૂ. 42 કરોડનું ભંડોળ આપવામાં આવશે. હાલના તબક્કે આ પ્રોજેક્ટર માટે ટેન્ડરિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડને અનુરૂપ બાયોટેકનોલોજી, બાયોઇન્ફોર્મેટિક્સ, નેનો સાયન્સ, ફોરેન્સિક સાયન્સ, કોમ્યુનિકેશન મીડિયા, મેનેજમેન્ટ, સોશિયલ સાયન્સ સહિતના વિષયોના શોધ-સંશોધન માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ રિસર્ચ પ્રોજેક્ટ કુલ ત્રણ તબક્કામાં હાથ ધરાશે. પ્રથમ તબક્કાનો પ્રોજેક્ટ વર્ષ 2019માં શરૂ કરાશે, જે જાન્યુઆરી 2020માં પૂર્ણ કરવાની યોજના છે.

 

Similar News