પાકિસ્તાનથી ભારતમાં આવતી ચીજો પરની કસ્ટમ ડ્યુટી વધારી ૨૦૦ ટકા કરાઇ

Update: 2019-02-17 02:51 GMT

ભારતે પુલવામા હુમલા મામલે પાકિસ્તાનને અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો પાછો ખેંચી લીધા બાદ ત્યાંથી આયાત થતી તમામ ચીજો પરની કસ્ટમ જકાતનો દર વધારીને ૨૦૦ ટકા કરી છે. આમ આ પગલાને કારણે પાકિસ્તાનની ચીજોની આયાત પર મોટાભાગે અંકુશ આવી જશે અને તેને આર્થિક નુકસાન પહોંચશે.

કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ ટ્વિટર આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 'પુલવામા ઘટના બાદ ભારતે પાકિસ્તાનને એમએફએન દરજ્જો પાછો ખેંચી લીધો છે. જેને પગલે પાકિસ્તાનથી ભારતમાં આવતી ચીજો પરની કસ્ટમ ડ્યુટી વધારીને ૨૦૦ ટકા કરી છે. આ તાત્કાલિક અસરથી અમલી બનશે.' ભારતે વેપારમાં ચોક્કસ લાભ આપતો આ દરજ્જો પાછોં ખેંચી લીધો છે. તેની જમીન પર કાર્યરત આતંકી સંગઠનોને નેસ્તનાબૂદ કરવા માટે પાકિસ્તાન પર દબાણ વધે તે માટે ભારતે સંગઠિત પગલું હાથ ધર્યું છે. જેટલીએ કહ્યું છે કે પાકિસ્તાનને 'સંપૂર્ણપણે અલગ' પાડી દેવા માટે તમામ પગલા લેવા હાથ ધરશે.

Similar News