ભરૂચમાં અફવાથી ખાતેદારોનો બેંકમાં ધસારો

Update: 2017-12-12 11:38 GMT

ભરૂચમાં સોશિયલ મિડીયા પર એક ફરતા થયેલા મેસેજે સૌને ચિંતાગ્રસ્ત કરી દીધા હતા, કેમકે બેંકમાં ખાતામાં જમા રહેલા રૂપિયા સરકાર પોતાના હસ્તક લઇ લેશે તેવો મેસેજ ફરતો થતા ગ્રાહકોની બેંકમાં ભારે ભીડ જામી હતી.

ભરૂચનાં મહમદપુરા વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડા શાખામાં બેંકનાં ગ્રાહકોની અચાનક ભારે ભીડ ઉમટી પડી હતી, જેનું કારણ હતુ કે સોશિયલ મિડીયામાં એક મેસેજ ફરતો થયો હતો,જેમાં બેંક ખાતામાં જમા રહેલા ગ્રાહકોનાં રૂપિયા સરકાર લઇ લેશે અને બેંક ગ્રાહકોને ચુકવશે નહિં તેવો મેસેજ ફરતો થતાંજ ગ્રાહકોએ મેસેજની પુષ્ટિ કર્યા વગર જ બેંકમાં જમાવટ કરી દીધી હતી.

જોકે બેંક મેનેજર દ્વારા આવી કોઈજ અફવા પર ગ્રાહકોએ ધ્યાન ન આપવા માટે અપીલ કરી હતી , અને બેંક ખાતામાં જમા રૂપિયા ગ્રાહકોનાં જ છે અને તેમને જયારે જોઈશે ત્યારે બેંક માંથી તે ઉપાડી શકશે તેમ તેઓએ જણાવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2016માં મોદી સરકાર દ્વારા નોટબંધીનો અમલ કર્યો હતો, જેના કારણે વર્તમાન સમયમાં બેંકમાં જમા રૂપિયા અંગેનો મેસેજ ફરતો થતા ગ્રાહકોની ધીરજ ખૂટી ગઈ હતી. અને જો સરકાર આવું કઈ પગલું ભરે તો ? તેવો પ્રશ્ન પણ ગ્રાહકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

જ્યારે બેંકનાં ગ્રાહકોએ સોશિયલ મિડીયામાં આવા મેસેજ મોકલનાર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેમ જણાવ્યુ હતુ.

Similar News