શિવભક્તિ સાથે સ્વાસ્થ્યને તંદુરસ્ત કરતો શ્રાવણ માસનો પ્રારંભ

Update: 2017-07-24 06:57 GMT

પવિત્ર શ્રાવણ માસનાં પ્રારંભ સાથે જ શિવ ભક્તિમાં ભક્તો તરબોળ બન્યા છે. શ્રાવણ દરમિયાન પ્રભુ ભક્તિ સાથે ઉપવાસનું પણ અનેરું મહત્વ રહ્યુ છે. ઈશ્વરીય કૃપા મેળવવાની સાથે સ્વાસ્થ્યને પણ તરોતાજા રાખવા માટે ભક્તિરૂપી મહિનો આશીર્વાદ રૂપ સમાન છે.

પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તિનું અનેરું મહત્વ છે. આખા મહિના દરમિયાન લોકો પુજાપાઠ, ભજન કિર્તન અને ખાસ કરીને શિવભક્તિમાં લિન બનતા હોય છે.

શિવપુરાણમાં જણાવ્યા અનુસાર શ્રાવણ માસ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. તેથી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

હિન્દુ ધર્મની માન્યતાઓ મુજબ આ માસમાં પૂજા-અર્ચના કરવાથી ઇચ્છિત ફળ મળે છે. ખાસ કરીને શ્રાવણ માસના સોમવારે ઉપવાસ અને પૂજા-અર્ચના કરવાથી ભગવાન શિવની કૃપા વરસતી હોવાનું કહેવાય છે.

પુણ્યનું ભાથુ બંધાવતો પવિત્ર શ્રાવણ માસનો મંગલારંભ તારીખ 24મી જુલાઈ અને સોમવારના રોજ થી થયો છે. સમગ્ર પવિત્ર માસ દરમિયાન શિવાલયોમાં લઘુરુદ્ર, રુદ્રાભિષેક, દીપમાળા, બિલીપત્ર, કમળ પૂજા, સહિતના ધાર્મિક કાર્યો થકી ભક્તો શિવ ભક્તિમાં જોતરાય હતા.

શિવાલયોમાં શિવપંચાક્ષર સ્ત્રોત્ર,શિવતાંડવ સ્ત્રોત્ર,શિવ મહિમન સ્ત્રોત્ર સહિતના સ્ત્રોતો તેમજ શિવ ચાલીસા ઉપરાંત સ્તુતિઓનું પઠન વચ્ચે હરહર મહાદેવ અને ૐ નમઃ શિવાયના મંત્ર ના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠયા હતા.

પ્રવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે જ સોમવાર હોવાથી વહેલી સવાર થી જ શિવ ભક્તો માં દેવાધી દેવ ભોળા શિવશંભુને જળ,દુધ,પુષ્પ,બિલીપત્ર સહિતના દ્રવ્યો થી અભિષેક કરવા માટેનો તલસાટ જોવા મળ્યો હતો.

શ્રાવણ માસમાં ઉપવાસનું મહત્વ પણ રહેલું છે,ઘણાખરા લોકો આ માસ દરમિયાન નકોરડા ઉપવાસ પણ કરે છે, તો કેટલાક એકટાણું કરીને પણ ઉપવાસ કરે છે. માત્ર પ્રભુ ભક્તિ અને કૃપા માટે જ નહિ પરંતુ સ્વાસ્થ્ય રૂપી પણ આશીર્વાદ શ્રાવણ માસ આપે છે તેમ કહેવામાં આવે છે.

કહેવાય છે કે આ માસ દરમિયાન વરસાદ વધારે વરસતો હોય છે અને જેના કારણે જો ખાવાપીવામાં કાળજી રાખવામાં ન આવેતો તે બીમારીનું માધ્યમ પણ બની શકે છે, તેથી ધર્મની સાથે સ્વાસ્થ્યરૂપી સુખાકારી માટે પણ શ્રાવણ માસમાં ઉપવાસ થી લાભ થતો હોવાનું જાણકારો કહી રહ્યા છે.

 

Similar News