અમરેલી : તાઉતે વાવઝોડાએ વેર્યો વિનાશ, કેટલાય ગામોમાં હજી સમસ્યાઓની ભરમાર

New Update
અમરેલી : તાઉતે વાવઝોડાએ વેર્યો વિનાશ, કેટલાય ગામોમાં હજી સમસ્યાઓની ભરમાર

અમરેલી જિલ્લામાં તાઉતે વાવાઝોડાના કારણે થયેલ નુકશાનીના પગલે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે ધારી તાલુકાના આંબરડી નજીકના કાંઠા વિસ્તારના ગામડાઓની સ્થિતિ હજી સુધરી નથી. લોકો વીજળી, પાણી અને ખોરાક માટે વલખાં મારી રહ્યા છે. તો બીજી તરફ ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા ડેડાણ ગામની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા કરાતાં લોકોએ ધારાસભ્યનો આભાર માન્યો હતો.

તાઉતે વાવઝોડા આવ્યાને આજે એક અઠવાડિયાથી પણ વધુ સમય વીતી ચુક્યો છે, ત્યારે ધારી તાલુકાના આંબરડી ગામમાં આજ દિન સુધી પ્રશાસન દ્વારા વીજળી કે, પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આ ગામમાં પાણીનો એક માત્ર સ્ત્રોત ગામથી એક કિલોમીટર દૂર આવેલ નદી છે. આ નદીમાં પાણી ખૂબ દુષિત, ડોહળું અને દુર્ગંધયુક્ત હોવા છતાં પણ આ પાણી પીવા માટે ગામના લોકો મજબુર બન્યા છે.

જોકે, ગામની મહિલાઓને પણ ઘર કામ છોડીને દરરોજ એક કિમીથી પણ વધુ દૂર આવેલ નદીમાં ચાલીને પાણી ભરવા જવું છે. ઉપરાંત ગામમાં પાણી ન હોવાથી કપડાં ધોવા, વાસણ સાફ કરવા, નાહવા તેમજ પાલતુ માલઢોરોને પીવા માટેનું પાળી લેવા પણ આજ નદીએ આવવું પડે છે. જોકે, આ પાણી ગંદુ હોવાથી અને તેનો ઉપયોગ કરવાથી રોગચાળો ફેલાવવાનો ભીતિ પણ સેવાઇ રહી છે, ત્યારે અહીના કેટલાક વિસ્તારોમાં તો લોકો વિરડાઓ ખોદીને પણ પાણી ભરતા જોવા મળી રહ્યા છે. તો સાથે જ લાઈટ અને પાણી સહિતની અનેક મુશ્કેલીઓ ગામના લોકો ભોગવી રહ્યા છે, ત્યારે અનેક રજૂઆતો કરવા છતાં પણ અધિકારીઓ આંબરડી ગામે પહોંચ્યા નથી. તેવામાં ગામ લોકોને તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

તો બીજી તરફ રાજુલાના ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા ડેડાણ ગામની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ગામના આગેવાનો સાથે બેઠક યોજી લોકોની જરૂરિયાતો વિષે ચર્ચા કરાઇ હતી, ત્યારે ગામ લોકોએ પીવાના પાણીની માંગણી કરતાં તાત્કાલિક પાણીના સંપ માટે જનરેટર ગોઠવી ઘરે બેઠાં લોકોને પાણી મળી રહે તેવો પ્રયાસ કરાયો હતો.

Latest Stories