અમરેલી જીલ્લામાં રાજુલા-જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાંથી પસાર થતા સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર સર્વિસ રોડના અભાવે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

આ છે અમરેલીના રાજુલા-જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાંથી પસાર થતો ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે રોડ. વર્ષ 2016માં નેશનલ હાઇવેની કામગીરી ધીમી ગતિએ શરૂ થયા બાદ 2020ના અંતમાં 75 ટકા જેટલી કામગીરીઓ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ નેશનલ હાઈવેની આસપાસ આવેલા ગામડામાં જવાના સર્વિસ રોડની કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકો પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેના કારણે નાગેશ્રી, દુધાળા, મીઠાપુર, બાલાની વાવ, કાગવદર જેવા ગામડાઓના સર્વિસ રોડ આજે સાતેક વર્ષ થવા છતાં બન્યા ન હોય, જ્યારે કાચી માટી અને પથ્થરો પાથરતા સર્વિસ રોડ વિના વાહનચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. જોકે, હવે આ સર્વિસ રોડ બનાવવામાં નહીં આવે તો હાઇવે પર ચક્કાજામ કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે બન્યો અને હજી 2 વર્ષ જ પૂર્ણ થયા હોય ત્યાં રોડ પર સિમેન્ટ કોંકરેટમાં પણ ગાબડાઓ પડ્યા છે, જ્યારે ગામડાઓમાં નેશનલ હાઈવે રોડની પ્રોટેક્શન વોલ પણ બનાવી ના હોવાને કારણે સ્થાનિકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તો બીજી તરફ, ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોય ત્યારે ભાજપના રાજમાં જાણે ગામડાઓની દુર્દશા બેઠી હોય તેવો પણ લોકોએ આક્ષેપ કર્યો હતો. હાઈવે પર કેટલાક ગામડાઓમાં 20 ફૂટ ઉપર રોડ હોવાના કારણે સર્વિસ રોડ અનિવાર્ય હોય અને ચોમાસામાં વરસાદી પાણી ભરાઇ જતા હોવાથી ખેડૂતોની દશા વધુ કફોડી બનશે તેવું પણ ખેડૂતોએ જણાવ્યુ હતું.

તો બીજી તરફ, સરકાર દ્વારા નેશનલ હાઈવે રોડ બનાવીને વિકાસ તો કરવામાં આવ્યો છે. પરંતુ અહીના ગામડાઓની દુર્દશા અતિ ખરાબ કરી દીધી છે. નેશનલ હાઇવેની કામગીરી બાબતે કિસાન સંઘ દ્વારા તંત્રના બહેરા કાને કરાતી રજૂઆતો માત્ર અથડાતી હોવાથી લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે સર્વિસ રોડ અભાવે સ્થાનિકોને પીડા સહન કરવાની શક્તિ ખૂટી જતા આગામી દિવસોમાં મોટા આંદોલનના મંડાણ થાય તેવી ગતિવિધિઓ તેજ થતી જોવા મળી છે.