-
એટીક ભવન પ્રાકૃતિક કૃષિ ક્રાંતિનું રોલ મોડેલ
-
ખેડૂતો રાસાયણિક મુક્ત ખેતી તરફ વળીને આત્મનિર્ભર બન્યા
-
કૃષિ યુનિવર્સિટી અને આત્મા પ્રોજેક્ટના પ્રયાસોથી ખેડૂતોને લાભ
-
આશરે 10,588 જેટલા પ્રગતિશીલ ખેડૂતો વચેટિયા મુક્ત બન્યા
-
મુખ્યમંત્રીએ દરેક ખેડૂતને આ મહાઝુંબેશ અપનાવવા આહવાન કર્યું
આણંદ જિલ્લાના બોરસદ ચોકડી પાસે આવેલું ‘એટીક ભવન‘ આજે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ ક્રાંતિનું રોલ મોડેલ બન્યું છે. આણંદ કૃષિ યુનિવર્સિટી અને ‘આત્મા‘ પ્રોજેક્ટના સંયુક્ત પ્રયાસોથી શરૂ થયેલું આ કેન્દ્ર વચેટિયાઓને દૂર કરી ખેડૂતોને સીધા જ ગ્રાહકો સાથે જોડે છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર જ્યારે ખેડૂતોને રૂપિયા 18,500 સુધીની સહાય અને તાલીમ આપી રહી છે, ત્યારે આણંદના હજારો ખેડૂતો રાસાયણિક મુક્ત ખેતી તરફ વળીને આત્મનિર્ભર બન્યા છે.બોરસદ ચોકડી પાસે આવેલું એટીક ભવન ખાતે દર મંગળવારે બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન ભરાતું આ વિશેષ બજાર નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં ઉભા કરાયેલા 29 સ્ટોલ પર જિલ્લાના આશરે 10,588 જેટલા પ્રગતિશીલ ખેડૂતો વચેટિયા મુક્ત વેચાણ કરે છે. આ સુંદર વ્યવસ્થાને કારણે સ્થાનિક ધરતીપુત્રોનાં શાકભાજી યોગ્ય ભાવે હાથોહાથ વેચાઈ જાય છે.
આ કેન્દ્ર પર પરંપરાગત શાકભાજી ઉપરાંત સ્વાસ્થ્યવર્ધક પોઝિટિવ મિલેટ્સ જેવા કે હરી કાંગ, કોદરી, મોરૈયો, સામો, કૃષ્ણ કમોદ ચોખા, ઓર્ગેનિક મસાલા અને સરગવાનો પાવડર વેચતા ખેડૂતો પણ ખૂબ સંતુષ્ટ છે. બીજી તરફ, અહીં નિયમિત ખરીદી માટે આવતા જાગૃત ગ્રાહકો માટે આ પ્રાકૃતિક શાકભાજીનો અસલી સ્વાદ અને ગુણવત્તા અદ્ભુત સાબિત થયાં છે. રાસાયણિક ખાતરોથી મુક્ત અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવાં આ ઉત્પાદનો સામાન્ય બજાર જેવા વ્યાજબી ભાવે મળતા હોવાથી લોકો અહીં હોંશે હોંશે ખરીદી કરે છે.
શૂન્ય ખર્ચની આ પ્રાકૃતિક ખેતી પદ્ધતિને વેગ આપવા માટે ગુજરાત સરકાર મોડેલ ફાર્મ તૈયાર કરવા રૂપિયા 18,500ની આર્થિક સહાય અને ‘આત્મા‘ પ્રોજેક્ટની ટીમ દ્વારા વિશેષ તાલીમ પૂરી પાડે છે. મુખ્યમંત્રીએ પણ દરેક ખેડૂતને આ મહાઝુંબેશ અપનાવવા આહવાન કર્યું છે. આ અનોખી પહેલ આજે ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં એક નવી આશાનો સંચાર કરી રહી છે, જ્યાં ધરતી માતાનું પોષણ અને માનવ સ્વાસ્થ્ય બંને એકસાથે સુરક્ષિત બની રહ્યાં છે.
