અંકલેશ્વર નગર સેવાસદની આજરોજ સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ દસ સમિતિઓની રચના કરવામાં આવી હતી આ તરફ વિપક્ષે વિવિધ મુદ્દે શાસકો પર આકરા પ્રહારો કર્યા હતા
અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં નગરપાલિકાની વિવિધ 12 સમિતિઓની રચના કરીને તેમના ચેરમેનો અને અધ્યક્ષોની વરણી કરવામાં આવી હતી. સમિતિઓની રચના બાદ ચેરમેન પદ મેળવનારા સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે પદથી વંચિત રહેલા કેટલાક સભ્યોમાં નારાજગી પણ જોવા મળી હતી.સભામાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે રાહુલ વામજા, માધ્યમિક શાળા સમિતિના ચેરમેન તરીકે શિલ્પા સુરતી તથા ડિસ્પેન્સરી સમિતિના અધ્યક્ષ તરીકે દીક્ષિતા રાણાની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય સમિતિઓ માટે પણ ચેરમેનોની નિમણૂક કરવામાં આવી હતી.
સભા પૂર્ણ થયા બાદ વિપક્ષ કોંગ્રેસે નગરપાલિકાના વહીવટ સામે આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે નિયમ મુજબ સામાન્ય સભા બાદ ત્રણ દિવસની અંદર સભ્યોને મિનિટ્સ બુક ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ત્રણ-ત્રણ મહિના બાદ મિનિટ્સ બુક આપવામાં આવી રહી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું.વિપક્ષે વધુમાં આક્ષેપ કર્યો હતો કે મિનિટ્સ બુક આપવામાં થતો વિલંબ તેમાં છેડછાડ કરવાની શક્યતાને લઈને શંકા ઊભી કરે છે. આ મુદ્દે નગરપાલિકાના વહીવટ સામે સવાલો ઊભા થયા છે. જોકે વિપક્ષના આક્ષેપો અંગે સત્તાપક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
અંકલેશ્વર નગરપાલિકાની સમિતિઓના ચેરમેનના નામ
કારોબારી સમિતિ – રાહુલ વામઝા
માધ્યમિક શાળા સમિતિ — શિલ્પા સુરતી
ડિસ્પેન્સરી સમિતિ — દીક્ષિતા રાણા
રીક્રિએશન (બાગ) સમિતિ — હેતલબેન ગાંધી
હેલ્થ એન્ડ સેનિટેશન સમિતિ — નરેન્દ્ર પટેલ
લાઈટ સમિતિ- મનિષાબેન હેમંત પટેલ
વોટર વર્ક્સ સમિતિ — વિશાલ ચૌહાણ
વાહન સમિતિ — અંકિત રાઠોડ
ડ્રેનેજ સમિતિ — સંદીપ પટેલ
APMC સમિતિ — અમીશાબેન પટેલ
