અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર નિલેશ ચોકડી ઓવરબ્રિજ નીચેથી પસાર થતું કન્ટેનર બ્રિજ સાથે ભટકાતા બ્રિજનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. જેના પગલે સુરક્ષાનાના બ્રિજ પરથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવતા અનેક વાહન ચાલકો અટવાયા હતા
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે-48 પર નિલેશ ચોકડી પાસે ઓવરબ્રિજ નીચે મશીનરી ભરેલું કન્ટેનર ફસાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. સુરતથી વડોદરા તરફ જઈ રહેલા કન્ટેનરના ચાલકને વાહનની ઊંચાઈનો અંદાજ ન રહેતાં કન્ટેનર બ્રિજ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં બ્રિજનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે બ્રિજ પરથી વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. પ્રતિન ચોકડીથી જીઆઇડીસીને જોડતા બ્રિજ પર વાહનવ્યવહાર બંધ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા. આ ઘટનાની અસર નેશનલ હાઇવે પરના વાહનવ્યવહાર પર પણ જોવા મળી હતી.ઘટનાની જાણ થતાં ડીપીએમસી અંકલેશ્વર અને નોટિફાઇડ એરિયા ઓથોરિટીના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. બ્રિજને થયેલા નુકસાનને પગલે વાહનચાલકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને વાહનવ્યવહાર બંધ રાખવામાં આવ્યો હતો.નોંધનીય છે કે આ અગાઉ પણ કન્ટેનર બ્રિજ સાથે અથડાવાની ઘટના બની ચૂકી છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે ઓવરબ્રિજ નીચેથી પસાર થતાં ભારે વાહનોની ઊંચાઈ અંગે યોગ્ય તકેદારી રાખવી જરૂરી બની છે.
આ અંગે નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસર એન.એ. કુશવાહાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મધ્યરાત્રીના સમયે કન્ટેનર બ્રિજ સાથે અથડાયું છે. જેના પગલે સુરક્ષાના ભાગરૂપે બ્રિજ પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે બ્રિજનો સ્ટેબિલિટી રિપોર્ટ અને વહેલી તકે સમારકામ પૂર્ણ કર્યા બાદ બ્રિજ પરથી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીએ છે કે નિલેશ ચોકડી ઓવર બ્રિજની ઊંચાઈ સાડા ચારથી પાંચ મીટર જેટલી છે નીચેથી માર્ગના સમારકામના પગલે રોડનું લેવલ ઊંચું આવતા હાઈટ ઘટી રહી છે જેના પગલે આ સમસ્યાનું નિર્માણ થઇ રહ્યું છે.
