• અંકલેશ્વરના ખેડૂતે કરી ખેતી

  • પડતર જગ્યામાં ગુંદાના વૃક્ષ વાવ્યા હતા

  • આજે મબલખ ઉત્પાદન મેળવ્યું

  • 20 કીલોનો રૂ.1200 ભાવ મળ્યો

  • અથાણા બનાવવા ઉપયોગમાં આવે છે ગુંદા

હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને અથાણાની સીઝન આવી રહી છે ત્યારે  અથાણાંના ગુંદા મળવા બહુ અઘરા છે ત્યારે અંકલેશ્વર તાલુકાના દીવી ગામના એક ખેડૂતે  પોતાના ખેતર સેઢા પર ગુંદાનું વાવેતર કરીને એમાં મબલક પાક ઉતાર્યો છે.
ઉનાળાની સીઝન આવે એટલે સ્વાભાવિક છે કે દરેક ગૃહિણીઓની  અથાણા બનાવવાની સીઝન કહેવાય. એમાં પણ રાબેતા મુજબ કેરી, મરચા, ગાજર ઉપરાંત ગુંદાનું અથાણું કેટલું સ્વાદિષ્ટ બને એ ઘણા પરિવારો જાણે જ છે. ગુંદા એક એવું ફળ છે જેને આપણે સૌ જાણીએ છીએ અને તેનું અથાણું પણ બનાવીએ છીએ ત્યારે  અંકલેશ્વર પંથકમાં ખેડૂતો ખેતરમાં પડતર જગ્યામાં  હવે ગુંદાના છોડ વાવી  રહ્યા છે. અંકલેશ્વરના દીવી ગામના ખેડૂત રાહુલ વામજાએ ચાર વર્ષ અગાઉ  ખેતરના શેઢા પર ગુંદાના બીજનું વાવેતર કર્યું હતું  અને આજે એનું ફળ મેળવી રહ્યા છે. ખેડૂત  રાહુલ વામજાએ આજથી ચાર વર્ષ પહેલા અથાણાં માટે ખાસ વપરાતા ગુંદાના બીજ વાવ્યા હતા. જેનું પરિણામ હવે આજે તમને મળી રહ્યું છે. તેઓ ખેતરના શેઢા પર ફક્ત ચાર જ ઝાડ વાવ્યા હતા અને ગુંદાના ઝાડને કોઈ માવજતની જરૂર હોતી નથી કે કોઈ ખાતર કે પાણીની પણ જરૂર નથી હોતી. એ એની રીતે જ ફૂલે અને ફાલે છે ત્યારે કેરીની જેમ ગુંદાનો પાક  પણ ઉનાળાની સીઝનમાં શરુ થાય છે અને એક ઝાડ ઉપર ઝુમખા સાથે ગુંદાનો પાક લચી પડ્યો છે અને એક ઝાડ ઉપરથી ઓછામાં ઓછા  20થી 30 કિલો ગુંદાનો ફાલ ઉતરે છે ત્યારે ખેડૂત રાહુલ વામજાને  કોઈ પણ  માવજત અને ખર્ચ વગર તૈયાર થયેલ ગુંદાનો  અંકલેશ્વરના માર્કેટમાં 20 કિલોના રૂપિયા 1200થી 1300નો ભાવ  મળી રહ્યો છે.હાલ છૂટક માર્કેટમાં કિલોના  60 થી 70 રૂપિયાના ભાવે  વેચાઈ રહ્યા છે ત્યારે ખેડૂત રાહુલ વામજા  માટે ગુંદાનો પાક  ફાયદાકારક રહયો છે.