અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત આશીર્વાદ કો.ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ સાચા અર્થમાં નવરાત્રીમાં ‘સંસ્કૃતિનું જતન’ કરીને ધંધાદારી આયોજકોને આરીસો બતાવવાનું સ્તુત્ય કાર્ય કર્યું છે.

આજના સમયમાં નવરાત્રીનો પવિત્ર પર્વ ક્યાંક ને ક્યાંક ભક્તિ અને આસ્થા કરતા વધુ પૈસા, પાવર અને દેખાડાનું પ્રદર્શન બની ગયો છે. ધંધાદારી આયોજકો દ્વારા મોંઘા પાસ, મનોરંજન અને આધુનિકતાના નામે ગરબાની મૂળ ભારતીય સંસ્કૃતિ અને મા અંબાની ભક્તિની પવિત્રતાને ભુલાવી દેવામાં આવી છે. મોંઘાદાટ આયોજનો વચ્ચે જ્યારે ગરબાનો સાચો આત્મા વિસરાઈ રહ્યો છે, ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત આશીર્વાદ કો.ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ સાચા અર્થમાં ‘સંસ્કૃતિનું જતન’ કરીને ધંધાદારી આયોજકોને આરીસો બતાવવાનું સ્તુત્ય કાર્ય કર્યું છે.

આશીર્વાદ સોસાયટી ખાતે આયોજિત શેરી નવરાત્રીમાં કોઈ ભૌતિક દેખાડો નહીં પરંતુ આસ્થા અને ધર્મનો સુમેળ જોવા મળ્યો હતો. આજની યુવા પેઢી પોતાની પૌરાણિક સંસ્કૃતિ અને સંસ્કારોથી વંચિત ન રહી જાય તે હેતુથી રહીશો દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં બાળકો, યુવાનો, દીકરીઓ અને ધર્મપ્રિય રહીશોએ ભગવાન શ્રી વિષ્ણુ, શ્રી રામ, લક્ષ્મણ, માતા સીતા, ભક્ત હનુમાનજી, માતા શબરી તેમજ રામાયણના પાત્રો રાક્ષસરાજ રાવણ અને કુંભકર્ણથી લઈને દેશના વીર નારી ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ અને પ્રસિદ્ધ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સુધીની વિવિધ વિશિષ્ટ વેશભૂષા ધારણ કરી હતી. પૌરાણિક અને સામાજિક વેશભૂષામાં સજ્જ થઈને જ્યારે રહીશો ગરબે ઘૂમ્યા, ત્યારે ઉપસ્થિત સૌ કોઈ દર્શકો ભાવવિભોર થઈ ગયા હતા.

લાખો રૂપિયાના ભવ્ય સેટ અને ડીજેના ઘોંઘાટ વચ્ચે જ્યાં ભક્તિ ખોવાઈ જાય છે, ત્યાં આશીર્વાદ સોસાયટીની આ શેરી નવરાત્રીએ સાબિત કરી દીધું છે કે સાચો ઉત્સવ રૂપિયાથી નહીં પણ ભાવ, ભક્તિ અને સંસ્કારોથી ઉજવાય છે. આ સામાજિક અને સાંસ્કૃતિક સંદેશ આપતા પ્રયાસને તમામ દર્શકો અને અંકલેશ્વરવાસીઓએ ખૂબ જ બિરદાવ્યો હતો.