અંકલેશ્વરનો બનાવ
સુરતી ભાગોળ વિસ્તારમાં મુશ્કેલી
અંતિમ યાત્રા સમયે હાલાકી નજરે પડી
કાદવ કિચડમાંથી પસાર થવા લોકો મજબુર
અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ગંદકી અને કાદવની સમસ્યાએ સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે અંતિમયાત્રા દરમિયાન પણ લોકોને કાદવ અને ગંદકી વચ્ચેથી પસાર થવું પડ્યું, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં રસ્તા પર ફેલાયેલી ગંદકી અને કાદવના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદ બાદ સમગ્ર વિસ્તાર કાદવથી ભરાઈ ગયો છે, જેના કારણે અવરજવર મુશ્કેલ બની ગઈ છે.સ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે અંતિમયાત્રા દરમિયાન મહિલાઓ સહિત સ્થાનિકોને પણ કાદવ-કીચડ વચ્ચેથી પસાર થવાની ફરજ પડી હતી. આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાવી છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિકોએ ચીમકી આપતાં જણાવ્યું કે જો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.પ્રાથમિક માહિતી મુજબ, આ માર્ગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારક્ષેત્રમાં આવતો હોવાનું સામે આવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે જવાબદાર તંત્ર ક્યારે કાર્યવાહી કરીને સ્થાનિકોને ગંદકી અને કાદવની સમસ્યામાંથી રાહત અપાવશે, તે જોવું રહ્યું.
