ભરૂચના જ્યોતિનગર ટર્નિંગ નજીક ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતા વરસાદી માહોલ વચ્ચે અનેક વાહન ચાલકો અટવાયા હતા

ભરૂચ શહેરના જ્યોતિનગર ટર્નિંગ પર વરસાદી માહોલ વચ્ચે ફરી એકવાર ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. આ સ્થળે અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

 મુખ્ય માર્ગ પર આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા તેમજ રસ્તા પર જ વાહનોની તપાસ હાથ ધરાતાં ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી. પરિણામે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને લોકોને પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં વિલંબ થયો હતો.

સ્થાનિકોનું કહેવું છે કે જ્યોતિનગર ટર્નિંગ પર ટ્રાફિક જામ હવે રોજિંદી સમસ્યા બની ગઈ છે. તેઓએ ગેરકાયદે પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરવા તેમજ મુખ્ય માર્ગ પર વાહન ચેકિંગના બદલે વૈકલ્પિક સ્થળે તપાસની વ્યવસ્થા કરવા માંગ કરી છે.જો સમયસર યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પણ વાહનચાલકોને આવી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.