હવામાન વિભાગની આગાહી અનુસાર વરસ્યો વરસાદ
અંકલેશ્વર-હાંસોટ પંથકમાં મધરાતથી અવિરત વરસાદ
વરસાદ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં જળ બંબાકાર
પદાધિકારીઓએ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી
GIDC વિસ્તારમાં NDRFની ટીમને સ્ટેન્ડબાય રખાય
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ પંથકમાં મધરાતથી જ અવિરત વરસેલા અનરાધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતી સર્જાય હતી.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ પંથકમાં મધરાતથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે. અનરાધાર વરસાદે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ભારે વરસાદના કારણે આમલાખાડી ઉફાણે ચઢતા પિરામણ ગામથી નેશનલ હાઈવેને જોડતા માર્ગ પર પાણી ફરી હતા, જ્યારે શહેરના ગાયત્રી મંદિર, મામલતદાર ઓફિસ સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી જતાં વાહન વ્યવહારને માઠી અસર પહોંચી હતી. તો બીજી તરફ, GIDC વિસ્તારમાં આપાતકાલીન પરિસ્થિતીને પહોચી વળવા NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
અંકલેશ્વર તાલુકામાં ભારે વરસાદની આગાહી વચ્ચે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. અંકલેશ્વર પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. તો બીજી તરફ, ભરૂચિ નાકા વિસ્તાર સ્થિત ફાયર સ્ટેશન ખાતે વરસાદને લઈને મહત્વની બેઠક યોજાય હતી. આ બેઠકમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞેશ અંદાડિયા, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, કારોબારી ચેરમેન રાહુલ વામજા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માત્ર ગ્રામ્ય કે હાઇવે જ નહીં, પરંતુ અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તાર તેમજ નોટિફાઇડ એરિયાના રહેણાંક વિસ્તારોમાં પણ ચોતરફ પાણી જ પાણી જોવા મળ્યું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ વરસાદી માહોલ જળવાઈ શકે છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર બહાર નહીં નીકળવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
