અંકલેશ્વર : ભારતીય સેનાના કોબ્રા કમાન્ડોના મોત કેસમાં ન્યાયિક તપાસની માંગ

New Update
અંકલેશ્વર : ભારતીય સેનાના કોબ્રા કમાન્ડોના મોત કેસમાં ન્યાયિક તપાસની માંગ

ભારતીય સેનામાં કોબ્રા કમાન્ડો તરીકે ફરજ બજાવતા અજીતસિંહ પરમારના શંકાસ્પદ મોત કેસમાં ન્યાયિક તપાસની માંગ સાથે કરણી સેનાએ તંત્રવાહકોને આવેદનપત્ર આપી યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની અંકલેશ્વર શાખાના ઉપક્રમે મામલતદારને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગીર સોમનાથ જીલ્લાનાં કોડીનારનાં વતની અને ભારતીય સેનામાં કોબ્રા કમાન્ડો તરીકે ફરજ બજાવતા અજીતસિંહ જગુભા પરમાર કે જેમની દિલ્હીથી વડોદરાની મુસાફરી દરમ્યાન તેઓ આકસ્મિક સંજોગોમાં ગુમ થયા હતાં. ત્યારબાદ મધ્યપ્રદેશનાં રતલામ ખાતેથી મૃતદેહ મળી આવ્યો હતો ત્યાંના સ્થાનિક રેલ્વે પ્રશાસન દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા વિના અને કોઈ પરિવારજનોને જાણ કર્યા વિના દફનવિધિ કરી દેવામાં આવતાં વિવાદ થયો હતો.

દેશની રક્ષા કાજે ફરજ બજાવતા સૈનિકો સાથે થતાં આવા વર્તન અને મોતનાં સમયે પરિવારજનોને પણ જાણ ના કરવામાં આવી તેમજ કોઈ કાર્યવાહી ના કરાઇ તેને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા વખોડી નાંખવામાં આવી છે. સમગ્ર ઘટનામાં ન્યાયિક તપાસની માંગ આગેવાનોએ કરી છે.