ઝઘડિયા GIDCમાં આવેલ હિન્દુસ્તાન કોપર લિમિટેડના વેર હાઉસમાં થયેલી રૂપિયા ૨૨ લાખની કિમતના કોપરની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC સ્થિત હિન્દુસ્તાન કોપર લિમિટેડના વેર હાઉસમાં કોપર મટીરીયલ તથા કોપર સ્ક્રેપ રાખવામાં આવ્યું હતું. આ વેર હાઉસમાં કોઈ અજાણ્યા ઈસમોએ ગત તારીખ ૨૯મી પ્રવેશી રૂપિયા 22 લાખની કિમતના સાત ટન કોપરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બાબતે ઝઘડીયા પોલીસ મથકે ગુનો નોધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસને સફળતા મળી છે.
પોલીસે આ મામલામાં સંડોવાયેલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ચોરીના ગુનાને અંજામ આપનાર અશ્વિન વસાવા, સતીષ વસાવા, ધર્મેશ તેમજ નવીન વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ ઝગદીયા તાલુકાનાં મોરણ ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા 1.15 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.