Connect Gujarat
Featured

અંકલેશ્વર : પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના એમડી એમ.એસ.જોલીનું નિધન

અંકલેશ્વર : પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના એમડી એમ.એસ.જોલીનું નિધન
X

અંકલેશ્વર અને પાનોલીમાં નામના ધરાવતાં પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડીરેકટર એમ.એસ.જોલી હવે આપણી વચ્ચે નથી રહયાં. કોરોનાના વાયરસે ભરૂચવાસીઓની વચ્ચેથી એક દેવદુત સમાન અને દેવદુર્લભ વ્યકતિત્વને છીનવી લીધું છે.

મુળ પંજાબના પણ વર્ષોથી પાવન સલિલા મા નર્મદાના તટે વસેલા ભરૂચ જિલ્લાને પોતાની કર્મભુમિ બનાવનારા પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડીરેકટર મનિન્દરસિંગ સતનામસિંગ જોલીનું દુખદ નિધન થયું છે. એમ.એસ.જોલીના હુલામણા નામથી જાણીતા જોલી સરના હૈયામાં હંમેશા દરેકનું હિત સમાયેલું હતું. સતત હસમુખો ચહેરો અને તમામને મદદ કરવાની તેમની ભાવના તેમની આગવી ઓળખ હતી. દરેક કર્મચારીને પોતાના પરિવારના સભ્યની જેમ કાળજી રાખતાં એમ. એસ. જોલીની વિદાયને સ્વીકારવા હજી હૈયું તૈયાર નથી.

પંજાબથી ગુજરાતમાં આવ્યાં બાદ તેમણે ગુજરાતને તમ, મન અને ધનથી કર્મભુમિ બનાવી લીધી હતી. તેમણે પોતાની કારર્કીદીની શરૂઆત પંજાબમાં ફિરોજપુર ગામથી કરી હતી. બાદમાં તેઓ મુંબઇ ગયાં હતાં અને મુંબઇ આઇસીટીથી કેમિકલ એન્જિનિયરીંગથી પદવી મેળવી હતી. પોતાની કારર્કીદીમાં તેઓ મહારાષ્ટ્ર અને ગુજરાતની જાણીતી કંપનીઓમાં નોકરીઓ કરી ચુકયાં છે. જેમ જેમ વ્યવસાયમાં પરંપરાગતતા આવી ગઇ તેમ તેમ તેમણે પોતાની આગવી શૈલી અને કૌશલ્યથી ગુજરાતમાં નવા પ્લાન્ટની સ્થાપના કરી અને 2000 કરતાં વધારે લોકોને રોજગારી પુરી પાડી છે. તેમણે સ્વબળે પોતાનો પ્રથમ પ્લાન્ટ અંકલેશ્વરમાં નાંખ્યો હતો. જેના થકી 700 લોકોને રોજગારી આપતા આ પરિવારોના ઘરોમાં ચુલો સળગતો થયો હતો.

એમ.એસ.જોલીની એક વાતથી આપ સૌ અજાણ હશો. એમ.એસ.જોલીના જીવનનો એક માત્ર આશય રહયો છે કે સમાજના પછાત અને કચડાયેલા વર્ગને જીવનની મુખ્ય ધરામાં લાવવા અને આ જીવન તેઓ તેમના માટે કાર્યરત રહયાં હતાં. અનેક તકલીફો અને દુખો સહન કરીને પણ તેઓ પોતાના ધ્યેયને વળગી રહયાં હતાં. માતૃભુમિનું ઋુણ અદા કરવા માટે તેમણે પંજાબમાં 100 બેડની મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ શરૂ કરી છે. લોકશાહી પ્રત્યે પણ તેઓ વફાદાર હતાં અને દેશ પ્રેમ તેમની રગે રગેમાં વહેતો હતો. તેમણે કનેકટ ગુજરાતના નામથી ન્યુઝ ચેનલની સ્થાપના કરી લોકોના અવાજને સરકાર અને વહીવટીતંત્ર સુધી પહોંચાડવાની શરૂઆત કરી હતી. એમ.એસ.જોલી વિશે એક અજાણી વાત કરીએ તો કે તેઓ એટલું બધું ટેકનીકલ જ્ઞાન ધરાવતાં હતાં કે જયારે તેઓ જાપાન અને જર્મની સહિતના દેશોમાં જતાં ત્યારે તેમના માનમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતો હતો. તેઓ માત્ર એક ઉદ્યોગપતિ ન હતાં પણ સાચા અર્થમાં એક સમાજસેવક હતાં. સાચો સમાજ સેવક પોતાની જન્મભુમિ, કર્મભુમિ અને રાષ્ટ્રભુમિ માટે શું કરી શકી તે એમ.એસ.જોલીએ કરીને બતાવ્યું છે.

અંકલેશ્વર અને પાનોલીમાં અનેક ઉદ્યોગો સ્થાપી તેમણે હજારો લોકોને રોજગારી આપવાનો અનુકરણીય પ્રયાસ કર્યો હતો. ગત વર્ષે લોકડાઉનની વાત કરવામાં આવે તો લોકડાઉનમાં કંપનીના એક પણ કર્મચારીને તથા અંકલેશ્વર અને પાનોલીની આસપાસ રહેતાં લોકોને તકલીફ ન પડે તે માટે તેમણે સેવાકાર્ય શરૂ કર્યુ હતું. કોઇ પણ પ્રકારની પ્રસિધ્ધિ કે નામના મેળવ્યાં વગર બસ તેઓ ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને મદદ કરતાં રહયાં હતાં. પણ કુદરત પણ કેટલું ક્રુર છે. આવા કોરોના વોરિયર્સ બીજી લહેરમાં કોરોનાની ઝપેટમાં આવી ગયાં હતાં. ભરૂચ, વડોદરા, લુધિયાણા અને હૈદરાબાદની હોસ્પિટલોમાં સારવાર બાદ પણ તેમનો જીવ બચી શકયો ન હતો.

માત્ર ઉદ્યોગો જ નહિ પણ મિડીયા અને મનોરંજનના ક્ષેત્રમાં પણ એમ.એસ.જોલીએ સારી એવી નામના મેળવી હતી. ગુજરાતી દર્શકો અને ગુજરાતી કલાકારોને પ્રોત્સાહન મળી રહે તે માટે તેમણે રતનપુર અને ગુજરાત-11 જેવી હીટ ફીલ્મોનું નિર્માણ કર્યું હતું. તેઓ હંમેશા કહેતાં હતાં કે હું ગુજરાતી છું અને ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે હું સદાય તત્પર રહીશ.. પોતાની બુધ્ધિક્ષમતાના જોરે તેમણે કેમિકલ અને ડાયના ક્ષેત્રમાં વિશ્વભરમાં નામના મેળવી હતી. જર્મની, જાપાન, થાઇલેન્ડ, ઇગ્લેન્ડ સહિતના દેશોમાં તેમની ફોર્મુલ્યાથી બનાવેલા કેમિકલની ભારે માંગ છે. પણ આજે આ મહાન વૈજ્ઞાનિક અને કેમિકલના સરતાજ આપણી વચ્ચે નથી રહયાં તેનું ભારોભાર દુખ છે. ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓને ઘરઆંગણે ઉચ્ચકક્ષાનું શિક્ષણ મળી રહે તે માટે તેમણે ભરૂચમાં જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ તથા શ્રીલક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની પણ શરૂઆત કરી હતી.

તેઓ તેમની પાછળ તેમના બે સંતાનો અને પત્નીને તથા સમગ્ર પ્રોલાઇફ ગૃપ પરિવારને આક્રંદ કરતાં છોડી ગયાં છે. તેમનો હસમુખ ચહેરો અને મિલનસાર સ્વભાવ અને તમામને મદદ કરવાની તેમની ભાવનાનું સ્થાન કોઇ નહિ લઇ શકે.. તેમના આકસ્મિક નિધનથી ભરૂચ જિલ્લાવાસીઓને પણ ન પુરાય તેવી ખોટ પડી છે. કનેકટ ગુજરાત પરિવાર અને પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના તમામ કર્મચારીઓ સ્વ. એમ.એસ.જોલીને અશ્રુભિની શ્રધ્ધાંજલિ અર્પણ કરે છે. તેમના આકસ્મિક નિધનના પગલે કંપનીના કર્મચારીઓ, કામદારો અને નજીકના મિત્ર વર્તુળમાં શોકની લાગણી પ્રવર્તી રહી છે. આવા બહુમુખી પ્રતિભા, નરમ હદય અને સૌનું હિત એ મારૂ હિત જેવી ઉમદા ભાવના ધરાવતાં એમ.એસ.જોલીની વિદાયથી ઘેરા શોકની લાગણી ફેલાય છે. તમામ લોકો આવા સેવાભાવી વ્યકતિને દીલથી સો સો સલામ કરી રહયાં છે.

Next Story