અંકલેશ્વરના ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા આયોજન

“અંકલેશ્વર સુરસંગમ-2026” મ્યુઝિકલ મીટ યોજાઈ

MS જોલી ઓડીટોરીયમ-પાનોલી ખાતે યોજાયો કાર્યક્રમ

સુર અને સેવાનો અનોખો સંગમ રચાયો

ગાયક કલાકારો હિન્દી સદાબહાર ગીતો રજૂ કર્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઇડીસી સ્થિત એમ.એસ.જોલી ઓડિટોરિયમ ખાતે ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા સદાબહાર ગીતોના સથવારે “અંકલેશ્વર સુરસંગમ-2026” મ્યુઝિકલ મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

સંગીતએ માત્ર મનોરંજન નથી, પરંતુ હૃદયના તારને જોડી રાખતું એક અદભુત માધ્યમ છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના સ્વ. એમ.એસ.જોલીના દિવ્ય સંસ્મરણો અને સંગીત પ્રત્યેના પ્રેમને જીવંત રાખવા માટે પાનોલી GIDC સ્થિત એમ.એસ.જોલી ઓડિટોરિયમ ખાતે સતત ચોથા વર્ષે “અંકલેશ્વર સુરસંગમ મીટ-2026”નું અતિ ભવ્ય અને ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રોલાઈફ ગ્રુપના ઉદ્યોગપતિ શ્રીમતી અનુરીત જોલી, કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યભરના સંગીતપ્રેમીઓ સાથે જોડાયેલા છે, તેમણે તમામ આમંત્રિત મહેમાનો અને શુભેચ્છકોનું મીઠા આવકાર સાથે સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં માઁ સરસ્વતીજીની પ્રતિમા સમક્ષ દીપપ્રાગટ્ય કરી તથા સ્વ. એમ.એસ.જોલીની તસવીરને હૃદયપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરીને આ મ્યુઝિકલ ઇવનિંગનો પ્રારંભ કરાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલક પ્રકાશ ક્રિશ્વિયન દ્વારા પ્રાસંગિક અને ભાવપૂર્ણ શબ્દોમાં સંચાલન કરવામાં આવ્યું હતું.

આ યાદગાર સંધ્યા દરમિયાન સ્વ. એમ.એસ.જોલીના જીવનના ભાવનાત્મક સંસ્મરણો અને પાછલા ૩ વર્ષની સંગીતમય સફળતાની ક્ષણોને એક સુંદર ડોક્યુમેન્ટરી રૂપે રજૂ કરવામાં આવી ત્યારે ઉપસ્થિત સૌ કોઈની આંખો શ્રદ્ધા અને સ્મૃતિઓથી ભરાઈ આવી હતી. ત્યારબાદ રાજ્યભરમાંથી પધારેલા સુરીલા ગાયક કલાકારોએ પોતાના મધુર અવાજમાં હિન્દી સદાબહાર ગીતો રજૂ કરીને સમગ્ર ઓડિટોરિયમ અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

સંગીતના આ સુરસંગમની સાથે પ્રોલાઈફ ફાઉન્ડેશને પોતાની સામાજિક જવાબદારી પણ ખૂબ જ ઉમદા રીતે નિભાવી હતી. પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત ‘ફૂટવેર ડિઝાઇનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ’  અને ‘BDNP’ સંસ્થાને શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક યોગદાન અર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે FDDI ના ડાયરેક્ટર લલિત પ્રકાશ અને BDPSના નિમિષાબેને ફાઉન્ડેશનની સેવાકીય ભાવનાને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના યોગેશ પારિક સહિત અનેક ગણમાન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ આયોજનને સફળ બનાવવા બદલ આયોજક અનુરીત જોલીએ તમામ ઉપસ્થિતજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સુર અને સેવાનો આ અનોખો સંગમ સૌ કોઈના દિલમાં એક અમિચિહ્ન છોડી ગયો હતો.