દેશમાં જીવનજરૂરી ચીજવસ્તુઓમાં વધતી મોંઘવારી
બજારમાં નકલી-ભેળસેળયુક્ત ચીજવસ્તુઓનું વેચાણ
ભરૂચમાં આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો
કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત
ભાવ વધારા પર નિયંત્રણ-જનતાને રાહત આપવા માંગ
દેશભરમાં બેફામ વધતી મોંઘવારી અને નકલી તેમજ ભેળસેળયુક્ત ચીજવસ્તુઓના વેચાણ સામે ભરૂચમાં આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
દેશમાં જીવનજરૂરી ચીજવસ્તુઓમાં વધતી મોંઘવારી અને બજારમાં નકલી તથા ભેળસેળયુક્ત ચીજવસ્તુઓના વેચાણ સામે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટી મેદાને આવી છે. ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી ભાવ વધારા પર નિયંત્રણ અને જનતાને રાહત આપવા માંગ કરાય છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોંઘવારીએ માઝા મુકી છે. એક તરફ મોંઘવારીનો માર છે, તો બીજી તરફ બજારમાં નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. આવી કપરી પરિસ્થિતિમાં સામાન્ય પરિવારો માટે બાળકોનું શિક્ષણ, વડીલોની દવાઓ અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી અત્યંત મુશ્કેલ બની રહી છે. આથી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ લાવવા, નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓના વેચાણ સામે કડક કાર્યવાહી કરવા તેમજ બજારો, દુકાનો અને ગોડાઉનોમાં નિયમિત તપાસ હાથ ધરી જનતાને તાત્કાલિક રાહત અપાવવામાં આવે તેવી ભરૂચ આમ આદમી પાર્ટીએ માંગ કરી છે.
