ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ બેઇલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ ચોરીની ઘટનામાં સંડોવાયેલ 5 આરોપીઓને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી અનુસાર, ગત તા. 10 જૂનના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ બેઇલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરો કંપનીના ઈ-વેસ્ટ પ્લાન્ટમાં ત્રાટક્યા હતા, જ્યાં ડ્રમમાં મુકેલ કોપર કોઇલ, કોપર બાર સહિત 50થી 60 કિલો ભંગાર મળી કુલ 40 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે કંપનીના એચ.આર. મેનેજર આશિષ ગુર્જરે સીસીટીવી કેમેરાના આધારે ચોરી થઇ હોવાની ફરિયાદ જીઆઈડીસી પોલીસ મથકે નોંધાવી હતી.

પોલીસે ચોરી અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ચોરીની ઘટનામાં સંડોવાયેલ મૂળ યુપીના અને હાલ સારંગપુર ખાતે રહેતા વિકાસ ઉર્ફે ટેણી છુનાલાલ કુશ્વાહા, રાહુલકુમાર ગોપાલ શર્મા, રાહુલસીંગ વીરસીંગ રાજાવત, તહેસીલદાર રામનારાયણ ઉપાધ્યાય અને રાજનસિંહ ઉર્ફે રજની દીપચંદ્ર ગુર્જરને ઝડપી પાડી ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી કાઢી વધુ તપાસ હાથ ધરી છે.