રૂ. 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વાલિયા ચોકડી નજીકથી ભરૂચ એલસીબી પોલીસે શંકાસ્પદ ખેરના લાકડા ભરેલ ટ્રક સહિત કુલ 10 લાખ રૂપિયા ઉપરાંતના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ ખેરના લાકડા ભરેલ ટ્રક વડોદરા તરફ જવાની હોવાની માહિતી મળી હતી, ત્યારે બાતમીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી તલાસી લેતા તેમાં ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો.
સમગ્ર મામલે એલસીબી પોલીસે યુપીના ટ્રક ચાલક રામવિનય રામલક્ષમણ વર્માને લાકડા અંગેના જરૂરી દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ ન આપ્યો હતો. જેથી રામવિનય રામલક્ષમણ વર્માની અટકાયત કરી રૂપિયા 2,25,000 હજારની કિંમતના લાકડાનો જથ્થો અને રૂપિયા 8 લાખની ટ્રક તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા 10,30,000 હજારનો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારે અંકલેશ્વર શહેર પોલીસે રામવિનય રામલક્ષમણ વર્મા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે