/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/19150036/maxresdefault-239.jpg)
દેશની રક્ષા કાજે સરહદ પર શહીદ થતાં જવાનને યાદ કરતા અનેક લોકોને આપણે જોયા છે. નેતા, અધિકારીઓ અને આગેવાનો પ્રસંગોપાત તેમને યાદ કરી સલામી આપતા હોય છે. પણ અરવલ્લી જિલ્લાના એક જવાનની એવી ગાથા છે કે, છેલ્લા દસ દસ વર્ષથી તેઓ ગાયબ છે. તેઓ ક્યાં છે, તેનો કોઇ જ પત્તો નથી. જિલ્લાની પોલિસ પણ જવાનને શોધવામાં રસ દાખવતી નથી,,
તસવીરમાં દ્રશ્યમાન આ છે સીઆરપીએફ 73 બટાલિયનના જવાન કોદરભાઈ ખાંટ... મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામે રહેતા કોદરભાઈ છેલ્લા દસ વર્ષથી લાપતા છે, વર્ષ 2009 માં કોદરભાઈ ઘરેથી નોકરી જવા માટે નિકળ્યા, અને પરિવારજનો શામળાજી સુધી મુકવા ગયા, એટલું જ નહીં ઇડર સુધી કોદરભાઈએ છેલ્લીવાર પરિવારજનો સાથે વાત કરી, ત્યારબાદ કોદરભાઈનો સંપર્ક કપાઈ ગયો, જેનો આજે દસ બાદ પણ સંપર્ક નથી થઈ શક્યો. પરિવારની જવાનની શોધમાં દરદર ભટકે છે, પોલીસ સ્ટેશનના ચક્કર લગાવે છે, પરંતુ જવાનને શોધવામાં પરિવાર અને પોલીસ બંને નિષ્ફળ રહ્યા છે. લાંબા સમયથી ગુમશુદા જવાનની કોઇ જ કિંમત ન હોય તેમ પોલિસ પણ ફાઈલ બંધ કરીને વિશ્રામની મુદ્રામાં આવી ગઇ હોય તેમ લાગી રહ્યું છે. પણ પોલિસને આ પરિવારજોનેના થર થર કાંપતા કાળજા પર જાણે દર્દ બનીને ઉભરી આવી હોય તેવું લાગી રહ્યું છે.
જવાનની રાહ જોઇને પત્નિ, એક દીકરી અને ત્રણ દીકરા આજે પણ માથે હાથ દઈને બેઠા છે. પતિના વિરહમાં પત્નીના આંખમાંથી અશ્રુ ધારા વહી રહી છે.
આ રડતી કગરતી જવાનની પત્નિ છે કોકિલા બેન, જેનો પતિ કહેવા માટે તો દેશ સેવક છે, વીર જવાન છે, મા ભોમની રક્ષા કરનાર છે પણ આજે પરિવારની રક્ષા કરવા માટે પણ નથી, દેશની રક્ષા કરતાં જવાનની રક્ષા દેશ ન કરી શક્યો, એટ્લે કે પોલીસ કર્મચારીઓ જેમના આંગળે પરિવારે ચપ્પલ ઘસી નાખ્યા. પોલીસની ઢીલી કામગીરીને કારણે હવે પરિવારજનોએ પોલિસ પરથી આશા પણ છોડી દીધી છે. વીર જવાનના પરિવાર અને પત્નિની આંખોના આંસુ છલકાવાનું બંધ નથી કરતા, પણ વીર ક્યાં છે, તેનો કોઇની પાસે જવાબ નથી.
ઘર ચલાવવા માટે એકમાત્ર સહારો એવા કોદરભાઈના લાપતા થવાથી પરિવારજનો પર છેલ્લા દસ વર્ષથી આભ તૂટી પડવા જેવી સ્થિતિ છે. ખેતરે મજૂરી કરીને પત્નિ ઘર ચલાવે છે, ઢોર-ઢાંખરનું કામ કરે છે. પણ પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ કઠિન છે, એમાં પણ ચાર બાળકોને ભણાવવા સહિતનો ખર્ચ કાઢવો ખૂબ મુશ્કેલ બન્યો છે. કોદરભાઈનો પગાર સહિત પ્રોવિડન ફંડ પણ અટકી પડ્યું છે. જે કાગળોની આંટાઘૂંટીમાં કેવી રીતે મળે તે એક સવાલ છે, પણ પોલિસ સત્વરે કામગીરી કરે તો પરિવારજનોને આર્થિક મદદ મળી શકે તેમ છે.
કોદરભાઈ ખાંટ વર્ષ 1992માં 16 વર્ષની ઉંમેરે સીઆરપીએફમાં ભરતી થયા...અને થોડા વર્ષ પછી તેમની ગાંધીનગર ખાતે બદલી તેઓ અહીં ડ્યુટી પર જોડાયા.. વર્ષ 2008-09માં તેઓની તબિયત બગડવા લાગી હતી, તેમની બિમારી વધતાં પરિવારજનોએ ગાંધીનગર સીઆરપીએફમાં જાણ કરતાં કોદરભાઈને દિલ્હીની સીઆરપીએફની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આશરે ત્રીસ દિવસની સારવાર બાદ કોદરભાઈ હોસ્પિટલમાં જાણ કર્યા વિના નિકળી ગયા હતા જેની જાણ પરિવારને કરાઇ હતી અને કહેવામા આવ્યું હતું કે, કોદરભાઈ જ્યારે આવે ત્યારે તેઓને પરત મોકલવા. સુચના મુજબ પરિવારજનોએ કોદરભાઈને દિલ્હી મોકલવા માટેની વ્યવસ્થા કરી તેમને શામળાજી જઈને વિદા કરાયા, કોદરભાઈનો છેલ્લો કોલ ઇડરથી આવ્યો અને ત્યારબાદ કોદરભાઈ ક્યાં ગયા તેની કોઈને ખબર નથી આ વાતને આજે દસ વર્ષ વિતી ગયા.