યુવાઓ આર્મીમાં જોડાવા માટે તનતોડ મહેનત કરતા હોય છે, પરંતુ યોગ્ય તાલિમના અભાવે યુવાઓ શારિરીક કસોટીમાં નાપાસ થતાં હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લાના એક નિવૃત્ત જવાન યુવાઓની હિંમતમાં વધારો કરી નિશુલ્ક તાલિમ આપી રહ્યા છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટિંટોઇ ગામે રહેતા ખેમા મોરી 39 વર્ષ સુધી CISFમાં સેવા આપી નિવૃત્ત થયા હતા. જોકે તેમનો જુસ્સો આજે પણ અકબંધ જોવા મળી રહ્યો છે. જેમાં યુવાઓને દેશ સેવા કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. આ માટે ખેમા મોરીએ ગામની વિવિધ ખુલ્લી જગ્યામાં સ્થાનિક યુવાઓને આર્મી અને પોલિસ જેવી સુરક્ષા સેવા માટે તાલિમ આપી રહ્યા છે. જોકે તેઓ વેતન માટે નહીં પરંતુ વતન માટે આ કાર્ય હાથે લીધું છે.
ટીંટોઈ ગામે રહેતા ખેમા મોરી 5 મહિના અગાઉ નિવૃત્ત થયા બાદ તેઓએ યુવાઓને પણ તાલીમ આપવાનું કાર્ય હાથે ઉપાડ્યું છે. લશ્કર અને પોલિસમાં ભરતી થવા માટે ટીંટોઈ સહીત આજુબાજુ વિસ્તારના યુવાઓ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. નિવૃત્ત આર્મી જવાનની આ પહેલને યુવાનો સહીત સમગ્ર પંથકમાં સરાહના થઇ રહી છે. હાલ તો ખેમા મોરીના આ નિ:શુલ્ક તાલીમ કેમ્પમાં 70 જેટલા યુવાઓ અને બાળકો જોડાયા છે. એટલું જ નહીં 2 યુવાઓ BSFમાં પણ પસંદગી પામ્યા છે.
હવે તમને વિચાર આવતો હશે કે, ખેમા મોરીએ યુવાઓ માટે તાલિમ કેમ્પ શરૂ કેમ કર્યો..! તો તેના પાછળ પણ એક કારણ છે, અને તે કારણ તમારા હ્રદયને સ્પર્શી જશે. ખેમા મોરીના ઘરે 56 વર્ષે પારણું બંધાયું અને તેમની પત્નિએ પુત્રને જન્મ આપ્યો હતો. પરંતુ 3 વર્ષના ટૂંકા ગાળામાં જ સંતાનનું મોત થયું હતું, ત્યારે નિસંતાન બનેલા ખેમા મોરીએ વિચાર કર્યો કે, ભલે કોઇ સંતાન નથી, પણ ગામના તમામ યુવાઓને દેશ સેવા કરવા માટે પ્રેરિત કરી સરાહનિય કાર્ય કરવાની શરૂઆત કરવામાં આવી છે. જોકે ખેમા મોરીને ઘડપણનો સહારો ભલે નથી, પણ દેશ સેવા કરી નિવૃત્ત થયેલા ખેમા મોરી હવે પોતે યુવાઓનો સહારો બની રહ્યા છે.