અરવલ્લીની આ શાળામાં બાળકોને ભણવા જવું ગમે છે, જાણો કેમ ?

New Update
અરવલ્લીની આ શાળામાં બાળકોને ભણવા જવું ગમે છે, જાણો કેમ ?

થોડા સમયથી સોશિયલ મીડિયા પર એક શિક્ષિકાનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. બાળકોને અનોખા અંદાજમાં આવકારતા આ વીડિયોમાં બાળકો પણ એટલા જ ખૂશ દેખાઈ રહ્યા છે. ત્યારે આ વીડિયો જે વાઇરલ થયો છે, તે અરવલ્લી જિલ્લાનો છે. ધનસુરા તાલુકાના કેનપુરકંપા પ્રાથમિક શાળાની શિક્ષિકા ભાવનાબહેન પટેલના આ વીડિયોમાં તેઓ ખાસ રીતે બાળકોને આવકારી રહ્યા છે. બ્લેક બોર્ડ પર દિલ, હાથ, હોઠ દોર્યા, બાળકો જે ચિત્ર પર હાથ મુકે છે તે રીતે આવકારે તેઓ આવકારી રહ્યા છે.

એક તરફ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પર અત્યાચારના કિસ્સાઓ સામે આવે છે, તો બીજી તરફ ગુજરાતના અંતરિયાળ વિસ્તારના એક સરકારી શાળાના શિક્ષિકા વિદ્યાર્થીઓને હુંફ અને લાગણી આપી પારિવારિક માહોલ ઉભો કરી રહ્યા છે. શિક્ષિકા ભાવનાબહેન પટેલ દ્વારા શાળામાં પ્રાર્થના પૂર્ણ થયા બાદ જ્યારે પ્રથમ વખત બાળકો કલાસરૂમમાં આવે ત્યારે તેમને બોર્ડ પર દોરેલા ચિત્રોમાંથી કોઈ એક ચિત્ર પર બાળક આંગળી મૂકે ત્યારબાદ જે પ્રકારના ચિત્ર પર બાળકે આંગળી મુકી હોય તે પ્રકારે વર્ગ શિક્ષક ભાવનાબહેન બાળકને અવકારે છે. જેના માટે તેણીએ બ્લેક બોર્ડ પર દિલ, હાથ, હોઠ જેવા ચિત્રો દોર્યા હોય છે. જો બાળક તાળી આપતા ચિત્ર પર આંગળી મૂકે તો બાળકને તાળી આપી વેલકમ કરવામાં આવે છે. બાળક દિલ પર આંગળી મૂકે તો તેને પ્રેમથી ભેટવામાં આવે છે. જેને વિદ્યાર્થીઓને શાળામાં આવતા પ્રેરે છે.

ભાવના બહેન વેકેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીને વિવિધ શાળાઓના વીડિયો જુએ છે, અને તેમાંથી તેઓ પ્રેરણા લે છે,, આ વખતે તેમણે જાપાન અને અરબ દેશોની શાળાઓમાંથી પ્રેરણા લીધી અને આ નવતર પ્રયોગ શરૂ કર્યો છે. આ પ્રયોગને કારણે બાળકો પણ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે અને શિક્ષક તેમજ શિક્ષણ કાર્ય પ્રત્યે બાળકોનું સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે.

શાળાની ખાસ વાત એ છે કે, આ શાળાને પૂર્વ કાર્યકારી પ્રધાનમંત્રી ગુલજારીલાલ નંદાએ ખુલ્લી મુકી હતી. શાળામાં પક્ષીઓ માટે ખાસ ચબુતરો પણ બનાવાયો છે, જેમાં બાળકો દાણ પણ નાખે છે. શાળામાં બાળકોને શિક્ષણની સાથે સાથે પ્રાણી અને પ્રકૃતિ પ્રેમ વધે તેવા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. જેમાં શાળામાં બિલાડીને ખવડાવવાનું, પક્ષીઓને ચણ નાંખવા જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા બાળકના સર્વાંગી વિકાસનું ધ્યાન રાખવામાં આવે છે.

કોણ કહે છે કે, સરકારી શાળાઓ ખાનગી શાળાઓ જેવી નથી હોતી. શાળા તો શિક્ષાનું મંદિર હોય છે, અને મંદિર કોઇપણ હોય પણ તેમાં બેઠેલો ભગવાન સર્વસ્વ હોય છે. તેવી જ રીતે શાળા ગમે તેવી હોય પણ શિક્ષણ બાળકો માટે શું કરી શકે છે, તે ઘણું મહત્વનું હોય છે. જો દરેક શાળાઓના શિક્ષકો પોતાની અલગ અભિવ્યક્તિ દ્વારા કંઇક નવું કરવાનો પ્રયાસ કરે તો ખરેખર સરકારી શાળાઓ પણ ખાનગી શાળાઓને ટક્કર મારી શકે છે.

Latest Stories