કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ભારતીય મહિલા જુડોકા અસ્મિતા ડેએ ઈતિહાસ રચી દીધો છે. મહિલાઓની 48 કિલોગ્રામ ભારવર્ગ કેટેગરીમાં સ્વર્ણ પદક જીતીને અસ્મિતા કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં જુડો રમતની અંદર ગોલ્ડ મેડલ જીતનારી ભારતની સૌપ્રથમ રમતવીર બની ગઈ છે.
ભારતીય જુડોકા અસ્મિતા ડેએ કોમનવેલ્થ ગેમ્સ 2026 ના મંચ પર એવો કારનામો કરી બતાવ્યો છે જે આ પહેલાં રાષ્ટ્રમંડળ રમતોના ઈતિહાસમાં કોઈ ભારતીય રમતવીર કરી શક્યો નથી. અસ્મિતા મહિલાઓની 48 કિલોગ્રામ કેટેગરીમાં દેશને સ્વર્ણ પદક અપાવીને ગોલ્ડ જીતનારી ભારતની પ્રથમ જુડોકા બની ગઈ છે. શ્વાસ અધ્ધર કરી દેનારી આ રોમાંચક ફાઈનલ મેચમાં તેણે પોતાના ધૈર્ય અને ઉત્કૃષ્ટ તકનીકના જોરે તિરંગો સૌથી ઊંચાઈ પર લહેરાવ્યો છે.
અસ્મિતા ડેની આ ફાઈનલ મેચ કોઈ રોમાંચક થ્રિલર જેવી હતી. મેચની શરૂઆતથી જ બંને ખેલાડીઓ વચ્ચે એક-એક પોઈન્ટ માટે ભારે ખેંચતાણ જોવા મળી હતી. નિર્ધારિત સમય પૂરો થવા સુધી બંને ખેલાડીઓ 1-1 ની બરાબરી પર રહ્યા હતા. મેચનું પરિણામ લાવવા માટે વધારાનો સમય આપવામાં આવ્યો. આ દબાણની ક્ષણોમાં અસ્મિતાએ પોતાની માનસિક મજબૂતી દર્શાવી અને યોગ્ય તકનીકનો ઉપયોગ કરીને ‘યૂકો’ (Yuko) દ્વારા નિર્ણાયક પોઈન્ટ મેળવ્યો. આ સાથે જ તેણે મેચ 2-1 થી પોતાના નામે કરી લીધી.
અંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અને કોમ્બેટ સ્પોર્ટ્સમાં ભારત માટે આ સુવર્ણ સફળતા અત્યંત ખાસ માનવામાં આવે છે. બરાબરીની સ્થિતિ વચ્ચે અસ્મિતાનો આક્રમક અભિગમ અને જુસ્સો તેની સૌથી મોટી તાકાત બન્યા હતા. તેની આ સફળતા દેશના ઉભરતા એથ્લેટ્સ માટે પ્રેરણારૂપ સાબિત થશે.
