આસામ વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો તરફથી પ્રચાર કરવામા આવી રહ્યો છે. શનિવારે આસામના ચબુઆમાં એક રેલી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ભાવનાત્મક અપીલ કરી હતી અને કહ્યું હતું કે.”કોઈ ચા-વાળો તમારા દર્દને નહીં સમજે તો બીજુ કોણ સમજશે.” પીએમએ કહ્યું- હું તમને ખાતરી આપું છું કે એનડીએ સરકાર ચાના બગીચાઓમાં કામ કરતા કામદારોના જીવનમાં સુધાર લાવવાની કોશિશ કરશે.
વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું - કોંગ્રેસે તે પક્ષો સાથે હાથ મિલાવ્યા છે જે આસામની સંસ્કૃતિ અને વારસા માટે ખતરો છે. આસામના દરેક ભાગનો વિકાસ એ ભાજપ સરકારની પ્રાથમિકતા છે. અમે રાજ્યની સંસ્કૃતિ અને વારસો બચાવવા કટિબદ્ધ છીએ.
પીએમ મોદીએ કહ્યું- કોંગ્રેસ આસામના લોકોથી ઘણી દૂર જતી રહી છે. થોડા દિવસો પહેલા શ્રીલંકાનો ફોટો શેર કરતી વખતે તેણે કહ્યું હતું કે તે આસામની છે. આ અસમની સુંદરતાનો અન્યાય અને અનાદર છે.
તેમણે કહ્યું- “મને એ જોઈને દુ:ખ થાય છે કે કોંગ્રેસ પક્ષ કે જેણે દેશમાં ૫૦-૫૫ વર્ષ સુધી શાસન કર્યું હતું, એને ભારતની ચાની છબીને બગાડવા માંગતા લોકોનું સમર્થન કર્યું હતું. તમે તે પક્ષને માફ કરશો? તેમને સજા થવી જોઇએ કે નહીં? "
વડા પ્રધાને કહ્યું - "આસામની ચાને બદનામ કરવા માટે ટૂલકિટ ફેલાવવામાં આવી. કોંગ્રેસ પક્ષે ટૂલકીટ બનાવનારાઓને ટેકો આપ્યો અને ત્યારબાદ અસમમાં મત માંગવાની હિંમત કરે છે. શું આપણે તેને ભૂલી શકીએ?"