ભરૂચમાં વર્ષ 2020માં આજના દિવસે કોરોનાનો પ્રથમ કેસ નોધાયો હતો ત્યારે વિતેલા એક વર્ષમાં 4312 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. બીજી તરફ સ્થિતિ એ હદે વણસી છે કે આજના દિવસે 12 મૃતદેહોના કોવિડ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
વર્ષ 2020 તારીખ 8 એપ્રિલ ગામ ઇખર… આ તારીખ..આ વર્ષ અને આ ગામ ભરૂચ જિલ્લો ક્યારેય નહીં ભૂલે કારણ કે બરાબર એક વર્ષ પહેલા આજના જ દિવસે ભરૂચ જીલ્લામાં ઘાતક કોરોના વાઇરસનો પ્રથમ કેસ નોધાયો હતો. ઇખર ગામે તબલીગી જમાતના કાર્યક્રમમાં હાજરી આપી આવેલા જમાતીઓને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સહિત સમગ્ર જિલ્લાનું પ્રશાસન દોડતું થયું હતું. આ બાદ ભરૂચ જિલ્લો તબક્કાવાર કોરોના સંક્રમણના વમણમાં ફસાતો ગયો.
ભરૂચ જીલ્લામાં છેલ્લા એક વર્ષમાં 4312 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે તો આરોગ્ય વિભાગના ચોપડે 33 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. આ તરફ જીલ્લામાં 570થી વધુ લોકોની કોરોના પ્રોટોકોલ અનુસાર અંતિમ વિધિ કરવામાં આવી છે. ભરૂચ જીલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોધાયો તેને આજે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે સ્થિતિ બદથી બદતર બની રહી છે. આજે એક દિવસની વાત કરવામાં આવે તો નર્મદા નદીના કિનારે બનાવાયેલ સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં 12 લોકોની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.
તો બીજી તરફ એક વર્ષનો ભૂતકાળ ફરીથી વર્તમાન બન્યો છે. લોકડાઉનની જેમ જ હમણાં ભરૂચમાં નાઈટ કરફ્યુ અમલમાં છે અને રોજના સરેરાશ 15થી વધુ કેસ નોધાય રહ્યા છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં બેડ ફૂલ છે તો બીજી તરફ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે ત્યારે આ સ્થિતિ ઝડપથી સુધરે એવી સૌ કોઈ પ્રાર્થના કરી રહયું છે