અંકલેશ્વર પર જળ સંકટનો ખતરો
આગામી 90 દિવસ પાણીની કટોકટી
ઉકાઈ કેનાલ સ્માતકામ અર્થે બંધ
તંત્રના આગોતરા આયોજનના દાવા
લોકોને પાણીનો કરકસર પૂર્વક અમલ કરવા અપીલ
ઉકાઈ જળાશય યોજનાની જમણા કાંઠા કેનાલ સમારકામ અર્થે 90 દિવસ માટે બંધ કરાતા અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી વિસ્તારમાં જળ સંકટના વાદળો ઘેરાય રહ્યા છે જેની સામે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરાયું હોવાના દાવાઓ થઈ રહ્યા છે
અંકલેશ્વર શહેર અને GIDC વિસ્તારમાં આગામી 90 દિવસ સુધી પાણીની ગંભીર કટોકટી સર્જાવાની શક્યતા છે. ઉકાઈ જમણા કાંઠાની કેનાલનું સમારકામ હાથ ધરવામાં આવતાં પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે.જેને પગલે અંકલેશ્વર GIDC નોટીફાઇડ વિભાગ દ્વારા પાણી વિતરણનો નવો સમય જાહેર કરવામાં આવ્યો છે.
GIDC દ્વારા રહેણાંક વિસ્તારો માટે સવારે 6 થી 9 વાગ્યા સુધી અને ઉદ્યોગો માટે સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. GIDC તળાવમાં હાલ અંદાજે 45 દિવસ ચાલે એટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ઝઘડિયાથી કરજણ કેનાલ મારફતે 7 MLD પાણી મળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
નોટીફાઇડ એરિયા GIDCના ચેરમેન પ્રબોધ પટેલના જણાવ્યા અનુસાર ઉદ્યોગો દરરોજ એક કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરીને ટેન્કર મારફતે પાણી ખરીદે છે. તેમણે સરકારને ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારોની પાણીની જવાબદારી લઈને પૂરતો પાણી પુરવઠો ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી છે.
બીજી તરફ અંકલેશ્વર શહેરમાં પણ પાણીની કટોકટી સામે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા તળાવમાં અંદાજે 50 દિવસ ચાલે એટલો પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. હાલ 24 બોર કાર્યરત છે અને વધુ 6 બોર અંદાજે 40 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા નગરજનોને પાણીની અછતના સમયગાળા દરમિયાન પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને પાણીનો બગાડ નહીં કરવા અપીલ કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના ખેતી, ઉદ્યોગ અને શહેરી વિસ્તારો માટે મહત્ત્વના જળસ્રોત સમાન ઉકાઈ જમણા કાંઠાની નહેર આગામી 90 દિવસ સુધી બંધ રહેવાની હોવાથી અંકલેશ્વર-હાંસોટ અને કોસંબા પંથકમાં પાણીના વૈકલ્પિક આયોજનની કસોટી શરૂ થઈ છે. 16 નવેમ્બર 2026થી 13 ફેબ્રુઆરી 2027 સુધી નહેર બંધ રાખી આશરે ₹60 કરોડના ખર્ચે 40 જેટલાં નવીનીકરણનાં કામો હાથ ધરવામાં આવશે. નહેરના નાના બ્રિજ, સાયફન, ગેટ અને લાઈનિંગ સહિતનાં માળખાંનું સમારકામ અને નવીનીકરણ કરાશે.
