ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે વાહન ચોરીના ગુનાઓને અટકાવવા અને શોધી કાઢવા હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ હાલતમાં એક ઈસમને નંબર પ્લેટ વગરની બાઈક સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ અંકલેશ્વર શહેરમાંથી બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરતાં એક વણશોધાયેલ ગુનો પણ ઉકેલાયો હોવાનું પોલીસે જણાવ્યું છે.
સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે પોલીસે એક ઈસમને કાળા રંગની હીરો પેશન પ્રો મોટરસાઇકલ સાથે ઝડપી પાડ્યો હતો. મોટરસાઇકલ પર નંબર પ્લેટ નહોતી. આરોપી સુનિલ વાઘરી પાસે બાઈકના કાગળો અંગે પૂછપરછ કરતાં તે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.પોલીસે ઈ-ગુજકોપમાં આરોપીની તપાસ કરતાં તેની સામે અગાઉ પણ મોટરસાઇકલ ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી શંકાસ્પદ મોટરસાઇકલ કબજે કરી હતી.
