ભરૂચમાં બન્યો હતો બનાવ
કતોપોર બજારમાં થઈ હતી ચોરી
4 દુકાનના તૂટ્યા હતા તાળા
રીઢા ચોરની પોલીસે કરી ધરપકડ
અન્ય ગુનામાં પણ સંડોવણી બહાર આવી
ભરૂચ શહેરના કતોપર બજારમાં એક જ રાત્રે ચાર અલગ-અલગ દુકાનોને નિશાન બનાવી રોકડ સહિતની ચોરી કરનાર આરોપીને બી-ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
25 ઓગસ્ટની રાત્રિના સમયે ભરૂચના કતોપર બજારમાં આવેલી ચાર દુકાનોમાં તસ્કરે પ્રવેશ કરી રોકડ સહિતની ચીજવસ્તુઓની ચોરી કરી હતી. ઘટનાને પગલે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીઆઈ એન.કે. ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવા ઉપરાંત હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કતોપર બજારમાં દાદુ સોડાની દુકાન નજીકથી મોહમદ તૌસીફ ગુલામ મહમદ શેખને ઝડપી પાડ્યો હતો. આરોપી હાલ મક્તમપુર ખાતે રહે છે અને મૂળ ધોબીવાડનો હોવાનું સામે આવ્યું છે.પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં આરોપીએ કતોપર બજારની ચારેય દુકાનોમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. તેની પાસેથી રૂ.600 રોકડા, વિવિધ કંપનીના 8 મોબાઈલ ફોન, યાસિકા કંપનીનો કેમેરો, ટાઈટન ઘડિયાળ તથા કાપડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પોલીસ તપાસમાં આરોપી અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. તેની સામે બી-ડિવિઝન પોલીસ મથકમાં ચોરી અને જુગારના ચાર જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કતોપર બજારમાં થયેલી ચોરીની ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
