ભરૂચમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના અંતિમ સંસ્કારનું ઉમદા કાર્ય કરી રહેલાં સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકી તથા અન્ય સ્વયંસેવકોને સ્વામી મુકતાનંદજીએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી.
ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામતા દર્દીઓના ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડે બનાવવામાં આવેલાં ખાસ સ્મશાનગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહયાં છે. કોરોના વાયરસના કારણે મૃતકના સ્વજનો પણ મૃતદેહની આસપાસ ફરકતાં નથી તેવા સંજોગોમાં સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકી અને અન્ય સ્વયંસેવકો જીવના જોખમે આવા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી રહયાં છે. સોમવારના રોજ રક્ષાબંધનના પાવન અવસરે સ્વામી મુકતાનંદજીએ સેવાની સુવાસ ફેલાવી રહેલાં ધર્મેશ સોલંકી અને તેમની સાથે કામ કરતા સ્વયંસેવકોના હાથે રક્ષાકવચ બાંધ્યું હતું. ભગવાન તેમની અને તેમના પરિવારની રક્ષા કરે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.