ભરૂચ-દહેજ માર્ગ પર આમદરા ગામ નજીક કંપની કર્મચારીઓને લઈ જઈ રહેલી બસ રોડની સાઇડમાં ઉતરી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.
ભરૂચ-દહેજ માર્ગ પર આમદરા ગામ નજીકથી જોશી ટ્રાવેલ્સની બસ કંપનીના કર્મચારીઓને લઈને દહેજ તરફ જઈ રહી હતી, ત્યારે બસના ચાલકે અચાનક બસનો કાબૂ ગુમાવતાં તે રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. ઘટનાના પગલે બસમાં બેઠેલા કર્મચારીઓમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના બનતાં જ બસમાં સવાર તમામ કર્મચારીઓએ તાત્કાલિક બસમાંથી સલામત રીતે બહાર નીકળી ગયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બનાવની જાણ થતાં સ્થાનિક લોકો પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને મદદરૂપ બન્યા હતા. બસ રોડ પરથી નીચે ઉતરવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ અકસ્માતના કારણે થોડા સમય માટે ભરૂચ-દહેજ માર્ગ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.
