ભરૂચના ઝઘડિયા પંથકમાં અનરાધાર વરસાદ
ઠેર ઠેર પાણી જ પાણી
ભૂંડવા ખાડીના જળસ્તરમાં વધારો
શ્રમિકો ફસાઈ જતા દોડધામ
ભરૂચના ઝઘડિયા પંથકમાં વરસેલા અનરાધાર વરસાદના કારણે ભૂંડવા ખાડીના પાણીમાં ફસાયેલા શ્રમિકોને પોલીસે જોખમ વચ્ચે દેવદૂત બનાવી બચાવી લીધા હતા
ભરૂચના ઝઘડિયા તાલુકામાં વરસેલા અઢી ઇંચ વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.રાજપારડીથી અવિધાને જોડતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિકો તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ભૂંડવા ખાડીમાં વરસાદી પાણીનો પ્રવાહ વધતાં રાજપારડી અને અવિધા વચ્ચે બની રહેલા પુલની કામગીરી પણ પ્રભાવિત થઈ છે.
પાણીના ધસમસતા પ્રવાહમાં પુલના કામમાં ઉપયોગમાં લેવાતા ત્રણ ટ્રેક્ટર અને એક કાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.આ દરમિયાન પુલની કામગીરીમાં રોકાયેલા શ્રમિકો પણ પાણીના પ્રવાહમાં ફસાઈ જતાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ રાજપારડી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જોખમ વચ્ચે બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે તમામ શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સમયસર બચાવી લીધા હતા.
