ભરૂચના હાંસોટ પંથકમાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે કંટિયાળજાળ ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામના રાઠોડવાસ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું છે.વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં ઘરવખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
અચાનક પાણી ભરાઈ જતાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું છે.સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા તેમજ અસરગ્રસ્તોને જરૂરી સહાય પૂરી પાડવાની માંગ કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
