ડાયમંડ નગરી વરસાદમાં જળબંબાકાર 

24 કલાક વિત્યા છતાં નથી ઓસર્યા પાણી

પોદાર આર્કેડની 250 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ

અંદાજે 200 કરોડ રૂપિયાથી વધુના નુકસાનની આશંકા

લીંબાયતમાં પણ રહેણાંક વિસ્તાર પાણીમાં ડૂબ્યો

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પોદાર આર્કેડમાં છેલ્લા 24 કલાકથી પૂર જેવી સ્થિતિ છે. આ શોપિંગ આર્કેડની આશરે 250 જેટલી દુકાનો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. તો બીજી તરફ લિંબાયત અને કમરૂનગર આવાસ પણ પાણીમાં ડૂબ્યો છે.

સુરત એટલે ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી, પણ આજે અહીંનો વેપારી લાચાર બન્યો છે.સુરતના વરાછા સ્ટેશન રોડ પર આવેલા પોદાર આર્કેડમાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. 24 કલાકથી દુકાનોમાં પાણી ભરાયેલા હોવાને કારણે કરોડો રૂપિયાનું કાપડ, કિંમતી સામાન અને ફર્નિચર સડી ગયું છે. પ્રાથમિક અંદાજ મુજબ, અહીં 200 કરોડ રૂપિયા કરતાં પણ વધારેનું નુકસાન થવાની આશંકા સેવાઇ રહી છે. વેપારીઓનો આરોપ છે કે સામાન્ય વરસાદમાં પણ આ માર્કેટ ટાપુમાં ફેરવાઈ જાય છે.

એક તરફ વેપારીઓ આર્થિક રીતે તબાહ થઈ રહ્યા છે, તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની દાદાગીરી સામે આવી છે. જ્યારે મુશ્કેલીમાં મુકાયેલા વેપારીઓએ પાલિકાના અધિકારીઓ સમક્ષ પાણીના નિકાલ માટે આજીજી કરી અને ફરિયાદ નોંધાવી, ત્યારે અધિકારીઓએ મદદ કરવાને બદલે સીધા ઊંચા હાથ કરી દીધા! અધિકારીઓએ લૂલો બચાવ કરતા વેપારીઓને મોઢામોઢ કહી દીધું કે, આમાં અમારી કોઈ જવાબદારી આવતી નથી.તંત્રના આવા શરમજનક અને બેજવાબદાર વલણને કારણે વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

તો બીજી તરફ સુરતના લિંબાયત વિસ્તારમાં પાણી ભરાયેલા યથાવત રહ્યા છે.અને રહેણાક વિસ્તારમાં એક એક માળ સુધીના મકાન પાણીમાં ગરકાવ થયા છે.મહાનગરપાલિકા અને ફાયર દ્વારા પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અંદાજીત 20 ફૂટ જેટલા ભરાયેલા પાણીમાં NDRF ના જવાનો દ્વારા બોટ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.લીંબાયત અને કમરૂનગરમાં ભરાયેલા વરસાદી પાણીને ઉતરતા હજુ એક દિવસ લાગી શકે છે,ત્યારે ઘટનાથી જનજીવન ઉપર માઠી અસર પડી છે.