ભરૂચમાં એક જ રાતમાં નર્મદા બંગ્લોઝ સોસાયટીના 4 અને દુબઈ ટેકરીના એક મકાન મળી 5 બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરીને અંજામ આપ્યો
ભરૂચની નર્મદા બંગ્લોઝ સોસાયટીમાં વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં એક બાઈક પર 3 બુકાનીધારી તસ્કરો સોસાયટીમાં પ્રવેશ્યા હતા. તસ્કરો સોસાયટીના 4 બંધ મકાનોના તાળા તોડી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે મકાનોના તાળા તૂટેલા જોઈ સ્થાનિકો ચોંકી ઉઠ્યા હતા અને ચોરી થઈ હોવાનો ભાંડો ફૂટ્યો હતો.
બીજી તરફ, દુબઈ ટેકરી વિસ્તારમાં મકાનમાલિક અને તેમનો પરિવાર ઘરના ઉપરના રૂમમાં ગાઢ નિંદ્રામાં હતો, ત્યારે તસ્કરોએ નીચેના ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરમાંથી 2 સોનાના મંગળસૂત્ર, 10 વીંટી, 8 ઝૂંડ, લકી, ચેન મળી કુલ 15 તોલા સોનાના દાગીના તથા રોકડ રકમ મળી અંદાજે ₹25 લાખથી વધુની મતા પર હાથફેરો કરી દીધો હતો.એક જ રાતમાં 5 મકાનોમાં ચોરીની ઘટનાથી ભરૂચ પોલીસ બેડામાં ભારે દોડધામ મચી હતી. પોલીસે આસપાસના વિસ્તારના CCTV મેળવી તસ્કરોનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
