ભરૂચ શહેર કોંગ્રેસમાં નવા આગેવાનો અને કાર્યકરો જોડતા તેઓને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર અપાયો હતો.આ પ્રસંગે પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ શહેરમાં કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગરૂપે સાત આગેવાનો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવા જોડાયેલા આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.કોંગ્રેસની વિચારધારા, લોકશાહી મૂલ્યો અને રાહુલ ગાંધીના સંઘર્ષથી પ્રેરિત થઈને વિવિધ વોર્ડના આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે પક્ષની વિચારધારા, બંધારણની રક્ષા, લોકશાહી મૂલ્યો અને જનસેવાના સંકલ્પ સાથે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ જનતાની વચ્ચે રહીને લોકોના પ્રશ્નોના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહેશે. સાથે જ સંગઠનને વધુ મજબૂત બનાવવા અને જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે તમામ આગેવાનો તથા કાર્યકરોને એકજૂથ થઈને કાર્ય કરવા અપીલ કરવામાં આવી હતી.કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, દિનેશ ખુમાણ, રણછોડ ભગત, જુબેર પટેલ, જિગ્નેશ ભ્રમભટ્ટ સહિત નગરપાલિકાના સભ્યો, નગરસેવકો, ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
