ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામે ખેતરમાંથી 90 વર્ષીય વૃદ્ધનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ ઇખર ગામની કુંભારવાડીમાં રહેતા મહંમદ યુસુફ ઉર્ફે ઈસપ બંડિયા પટેલ તરીકે થઈ છે.

મળતી માહિતી મુજબ, મહંમદ યુસુફ ગતરોજ સવારે આશરે સાત વાગ્યે બકરીઓ ચરાવવા માટે ખેતરોમાં ગયા હતા. ત્યારબાદ ઇખરથી મેસરાજ ગામ તરફ જતા માર્ગ પર આવેલા ખેતરમાંથી બપોરના સમયે તેમનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં મૃતકના પુત્ર મુસ્તાક યુસુફ બંડિયાએ સ્થળ પર પહોંચીને મૃતદેહની ઓળખ કરી હતી. વૃદ્ધ સવારે બકરીઓ ચરાવવા ગયા બાદ તેમનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવતાં તેમના મોતને લઈને અનેક સવાલો ઊભા થયા છે. વૃદ્ધનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે રહસ્ય ઘેરાયું છે. ઘટનામાં હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મોતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.