ભરૂચના આમોદ તાલુકાના વાડિયા ગામની સીમમાં એક યુવકનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ રાણીપુરા ગામના અમરસનભાઈ વસાવા તરીકે થઈ છે, જે છેલ્લા કેટલાક દિવસોથી ઘરેથી લાપતા હતા.
પરિવારજનોએ અમરસનભાઈના અચાનક ગુમ થવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમની શોધખોળ ચાલી રહી હતી. આ વચ્ચે વાડિયા ગામની સીમ વિસ્તારમાં એક મૃતદેહ મળ્યાની માહિતી મળતાં પરિવારજનોએ સ્થળ પર પહોંચી ઓળખ કરી હતી જેમાં તે અમરસનભાઈ હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાથી પરિવાર તેમજ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકોમાં પણ ચિંતા અને દુઃખની લાગણી વ્યાપી છે.ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ મૃત્યુના કારણ અંગે સ્પષ્ટતા થઈ નથી અને પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે તેવી શક્યતા છે.
