/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/maxresdefault-20.jpg)
ભરૂચની નર્મદા ચોકડીએ 2005ની સાલમાં વોલ્વો બસમાં લાગેલી આગમાં 22 મુસાફરોના ભડથુ થવાની ઘટનાની યાદ તાજી કરતી અકસ્માતની વધુ એક ઘટના રવિવારે વહેલી સવારે લુવારા પાટીયા પાસે બની હતી. પુનાથી અમદાવાદ જતી ગુજરાત ટ્રાવેલ્સની એસી લકઝરી પ્રિમિયમ બસ ટેન્કર સાથે અથડાયા બાદ આગની જવાળામાં લપેટાઇ જતાં 3 મુૃસાફરોના મોત થયાં છે જયારે ઇમજન્સી એકઝીટ માંથી બહાર આવી જતાં 40થી વધુ મુસાફરોના જીવ બચી ગયાં છે.
ભારત દેશમાં માર્ગ અકસ્માતમાં દર ચાર મિનિટે એક વ્યકતિનું મોત થાય છે. માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે સરકારે ટ્રાફિકનો નવો કાયદો અમલમાં મુકયો છે અને ગુજરાતમાં પણ પહેલી તારીખથી તેનો અમલ શરૂ થઇ ચુકયો છે. નવા કાયદો અમલમાં આવ્યાંના ચાર દિવસ બાદ જ ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યાં છે જયારે 40થી વધુનો આબાદ બચાવ થયો છે. નેશનલ હાઇવે પર આવેલી લુવારા ચોકડી નજીક કેમિકલ ભરેલા ટેન્કરની પાછળ એસી પ્રિમિયમ લકઝરી બસ ઘુસી જતાં અકસ્માત થયો હતો અને અકસ્માત બાદ બંને વાહનોમાં આગ ભભુકી ઉઠી હતી. ગુજરાત ટ્રાવેલ્સની એસી સ્લીપર પ્રિમિયમમ લકઝરી બસ પુનાથી અમદાવાદ તરફ જઇ રહી હતી અને બસ સવારે પાંચ વાગ્યાના અરસામાં લુવારા પાટીયા પાસેથી પસાર થતી હતી ત્યારે યુ ટર્ન લઇ રહેલા કેમિકલ ભરેલા ટેન્કરની પાછળ ધડાકાભેર અથડાઇ હતી.
બસમાં સવાર મુસાફરો મીઠી નીંદર માણી રહયાં હતાં તેવામાં જ તેમને અચાનક ઝટકો લાગ્યો. તેઓ કઇ સમજે તે પહેલા આગ અગનજવાળાઓમાં લપેટાઇ જતાં મુસાફરોના જીવ તાળવે ચોટી ગયાં હતાં. અકસ્માત થયો ત્યારે બસમાં 45થી વધારે મુસાફરો સવાર હતાં મોટા ભાગના મુસાફરો બસના ઇમરજન્સી એકઝીટમાંથી બહાર આવવામાં સફળ રહયાં પણ ત્રણ મુસાફરો આગમાં ફસાઇ જતાં તેઓ ભડથુ થઇ ગયાં હતાં. બનાવની જાણ થતાં નગરપાલિકાના લાશ્કરો સ્થળ પર દોડી ગયાં પણ ત્યાં સુધી બસ કાટમાળમાં ફેરવાઇ ચુકી હતી. લાશ્કરોએ ટેન્કરમાં રહેલાં કેમિકલમાં બ્લાસ્ટ ન થાય તેની તકેદારી રાખી પાણીનો મારો ચલાવ્યો હતો.
અકસ્માત બાદ નેશનલ હાઇવે પર પાંચ કલાક સુધી ટ્રાફિકજામ રહેતાં હજારો વાહનચાલકો અટવાયાં હતાં. એસી લકઝરી પ્રિમિયમ બસમાં શોર્ટસર્કીટ થવાથી આગ લાગી હોવાનું અનુમાન લગાવાઇ રહયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2005ના ડીસેમ્બર મહિનામાં ભરૂચની નર્મદા ચોકડી પાસે ટ્રકની સાથે પટેલ ટ્રાવેલ્સની વોલ્વો લકઝરી બસમાં આગ ફાટી નીકળી હતી જેમાં 22 મુસાફરો બસમાં જ જીવતા સળગી ગયાં હતાં. રવિવારે મળસ્કે થયેલા અકસ્માતમાં બસમાં સવાર તમામ મુસાફરોનો કિમંતી સામાન આગમાં સ્વાહા થઇ ગયો હતો. મુસાફરો પાસે પહેરવાના ચંપલ પણ બચ્યાં ન હતાં. ઇમરજન્સી એકઝીટ ન ખુલ્યું હોત તો બસમાં સવાર મુસાફરોનું બચવું મુશ્કેલ હતું અકસ્માતમાં બચી ગયેલા મુસાફરોએ ભગવાનનો પાડ માન્યો હતો. બનાવની વધુ તપાસ નબીપુર પોલીસ ચલાવી રહી છે.