ભરૂચ તાલુકાના કંથારીયા ગામમાં આવેલી ઝકરિયા મસ્જિદ બહાર પાર્ક કરાયેલી મોટરસાયકલની ચોરીનો બનાવ સામે આવ્યો છે.સમગ્ર ઘટના નજીકના સીસીટી વી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ભરૂચના કંથારીયા ગામના સલમાન અકુબત રાત્રે ઈશાની નમાજ અદા કરવા ઝકરિયા મસ્જિદ ખાતે પોતાની મોટરસાયકલ (રજિસ્ટ્રેશન નંબર GJ-16-DL-2950) લઈને ગયા હતા. તેમણે મસ્જિદ બહાર બાઈક પાર્ક કરી નમાજ માટે અંદર પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન એક અજાણ્યો શખ્સ મસ્જિદ બહાર પહોંચ્યો હતો. તેણે થોડો સમય મોબાઇલ ફોન પર વાત કરવાનો દેખાવ કર્યા બાદ પાર્ક કરેલી મોટરસાયકલ પર બેસી તેને ચાલુ કરીને ફરાર થઈ ગયો હતો.નમાજ પૂર્ણ થયા બાદ સલમાન અકુબત બહાર આવ્યા ત્યારે તેમની મોટરસાયકલ સ્થળ પરથી ગુમ હોવાનું જણાયું હતું. આસપાસ શોધખોળ છતાં બાઈક મળી ન આવતા નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ફૂટેજમાં લીલા રંગનો શર્ટ પહેરેલો એક વ્યક્તિ મોટરસાયકલ ચોરી કરીને લઈ જતો સ્પષ્ટ રીતે નજરે પડ્યો હતો.આ દરમિયાન કેટલાક ગ્રામજનોએ સીસીટીવી ફૂટેજના આધારે શખ્સને ઓળખી તેની શોધખોળ હાથ ધરી હતી. બાદમાં તેને ઝડપી પાડી તાલુકા પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ચોરીનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઘટનાએ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.
